સાવરકુંડલા: અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર નજીક અમરેલી બાયપાસ રોડ પર આશરે બે કિલોમીટર દૂર આવેલું આકાશી મેલડી માતાજીનું મંદિર આજે સમગ્ર વિસ્તારમાં શ્રદ્ધા અને આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે. છેલ્લા લગભગ 20 વર્ષથી અસ્તિત્વમાં રહેલું આ મંદિર માત્ર ધાર્મિક સ્થળ જ નહીં, પરંતુ સેવાભાવ અને સામાજિક એકતાનું પણ પ્રતિક બની રહ્યું છે. રોજબરોજ અહીં 500થી વધુ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે આવે છે, જ્યારે રવિવારના દિવસે આ સંખ્યા વધીને 1,000થી 2,000 સુધી પહોંચી જાય છે.
મંદિર પરિસરમાં દર્શન માટે આવનાર ભાવિકો માટે ભોજન પ્રસાદ, ચા-પાણી અને નાસ્તાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવે છે. અનેક શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ થતાં માતાજીનો તાવો કરે છે, માંડવો યોજે છે તેમજ ભોજન પ્રસાદનું આયોજન કરીને પોતાની આસ્થા વ્યક્ત કરે છે. વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગો અને સામૂહિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે, જેના કારણે મંદિર પરિસર હંમેશા ભક્તિમય વાતાવરણથી ગુંજતું રહે છે.
સાવરકુંડલાના રહેવાસી મહેન્દ્રભાઈ ખુમાણ જણાવે છે કે તેઓ નિયમિત રીતે માતાજીના દર્શન કરવા આવે છે. તેમના જણાવ્યા મુજબ આજે જ્યાં ભવ્ય મંદિર ઊભું છે, ત્યાં અગાઉ ઉજ્જડ જમીન અને નાનું મંદિર હતું. છેલ્લા બે દાયકામાં મંદિરનો સતત વિકાસ થયો છે અને આજે તે સમગ્ર વિસ્તારના લોકો માટે આસ્થાનું વિશેષ કેન્દ્ર બની ગયું છે.
મહેન્દ્રભાઈ વધુમાં કહે છે કે રોજ મોટી સંખ્યામાં ભાવિકો અહીં દર્શન માટે આવે છે, જ્યારે ખાસ કરીને રવિવારે હજારો શ્રદ્ધાળુઓ માતાજીના આશીર્વાદ મેળવવા ઉમટી પડે છે. મંદિરની વ્યવસ્થામાં સેવાભાવને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે, જેના કારણે અહીં આવનાર દરેક વ્યક્તિને પ્રસાદ, ચા અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
મંદિરના મહંત કાના ભગત દ્વારા નિયમિત પૂજા-અર્ચના કરવામાં આવે છે. તેઓ ભાવિકોને ધાર્મિક માર્ગદર્શન આપવા ઉપરાંત મંદિરની સેવાકીય પ્રવૃત્તિઓનું પણ સંચાલન કરે છે. મંદિર ટ્રસ્ટ અને સેવાભાવી લોકોના સહયોગથી ભોજનશાળા સહિતની વ્યવસ્થા સતત ચાલુ રાખવામાં આવી રહી છે.
પ્રકૃતિના હરિયાળા વાતાવરણ વચ્ચે આવેલું આકાશી મેલડી માતાજીનું મંદિર હવે ધાર્મિક સ્થળ ઉપરાંત પર્યટન સ્થળ તરીકે પણ ઓળખ મેળવી રહ્યું છે. રજાના દિવસોમાં પરિવાર સાથે મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન અને પરિસરની મુલાકાત લેવા પહોંચે છે. ભક્તિ, સેવા અને શ્રદ્ધાનો અનોખો સંગમ બનતું આ મંદિર સાવરકુંડલાની આગવી ઓળખ તરીકે ઉભરી રહ્યું છે.


















Recent Comments