ગુજરાત

ગુજરાત લોકભવન ખાતે આયોજિત ઐતિહાસિક શ્રીરામકથાનો છઠ્ઠો દિવસ

ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે આયોજિત શ્રીરામકથાના છઠ્ઠા દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે રામાયણના સૌથી કરુણ અને ભાવવાહી પ્રસંગો – શ્રી રામનું વનપ્રસ્થાન, રાજા દશરથનો દેહવિલય અને રામ-ભારતના અજોડ ભ્રાતૃપ્રેમનું વર્ણન કર્યું હતું.

કથાના છઠ્ઠા દિવસે આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રીરામનો વનવાસ એ માત્ર સંજોગ નથી, પરંતુ તે કર્મ ફળના સિદ્ધાંતનું પરિણામ છે. રાજા દશરથે રાત્રિના સમયે માતા કૌશલ્યા સાથે શ્રવણના માતા-પિતાએ આપેલા શ્રાપની વાત વાગોળતા કહ્યું હતું કે, કર્મનું ફળ તો ભોગવવું જ પડે છે. આચાર્યશ્રીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના વિચારોને ટાંકીને સમજાવ્યું કે, જીવનમાં આપણે જે કંઈ પણ કર્મ કરીએ છીએ, તેનું પરિણામ ચોક્કસ મળે છે. ‘હાય રામ, હાય રામ’ના સ્મરણ સાથે રાજા દશરથે દેહત્યાગ કર્યો તે પ્રસંગે શ્રોતાગણ ભાવવિભોર થઈ ગયા હતા.

ભરતના પાત્ર વિશે વાત કરતા આચાર્યશ્રીએ કહ્યું કે, ત્યાગ અને સમર્પણ હંમેશા બંને તરફથી હોય છે. જ્યારે ભરતને સત્યની જાણ થઈ ત્યારે તેમણે પોતાની માતા કૈકેયીને પણ કઠોર શબ્દોમાં ઠપકો આપ્યો હતો. તેમણે અયોધ્યાની સત્તાનો ત્યાગ કરીને શ્રીરામને પરત લાવવા વન તરફ પ્રયાણ કર્યું હતું. આચાર્યશ્રીએ એક અત્યંત સુંદર પંક્તિ દ્વારા ભાઈઓનો મહિમા ગાયો: રાજગાદી કી ગેંદ બનાકર ખેલન લગે ખિલાડી, ઉધર રામ ને ઇધર ભરત ને દોનો ને ઠોકર મારી. આ પ્રસંગે રામ અને ભરતનું સામ્ય સ્પષ્ટ દેખાયું હતું.

અંતે, જ્યારે ભરત શ્રીરામને પાછા ન લાવી શક્યા, ત્યારે તેમણે શ્રીરામની ચરણ પાદુકાને મસ્તક પર ધારણ કરી અયોધ્યા પરત ફરવાનો નિર્ણય લીધો. તેમણે પ્રતિજ્ઞા કરી કે, ૧૪ વર્ષ પૂર્ણ થતા જો શ્રી રઘુવીર અયોધ્યા નહીં ફરે, તો હું અગ્નિમાં પ્રવેશ કર જઈશ. આ અજોડ ભ્રાતૃપ્રેમ અને વચનબદ્ધતાનું વર્ણન સાંભળીને ઉપસ્થિત તમામ નગરજનોની આંખો ભીની થઈ ગઈ હતી.

આચાર્યશ્રીએ અંતમાં સંદેશ આપ્યો કે, રામાયણ એ માત્ર પુસ્તક નથી, પરંતુ જીવન જીવવાની માર્ગદર્શિકા છે. જો લોકોમાં રામ-ભરત જેવા ત્યાગ અને સમર્પણ હોય, તો સમાજમાં ક્યારેય ક્લેશ ઉત્પન્ન થઈ શકે નહીં.

આ કાર્યક્રમની શરૂઆતમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, લોકસભા સાંસદ શ્રી પરષોત્તમભાઈ રૂપાલા, નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના કુલપતિ પદ્મશ્રી ડૉ. જે.એમ. વ્યાસ, અગ્રણી ઉદ્યોગપતિ પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા તથા સામાજિક કાર્યકર્તા શ્રી રામ સિંહ કુલહરીએ દીપ પ્રાગટય કર્યું હતું તથા આચાર્ય શ્રી કુલદીપજી મહારાજનું ફુલહાર દ્વારા સન્માન કર્યું હતું.

લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી, પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આમંત્રિત મહેમાનો, લોકભવન પરિવાર તથા નગરજનોએ આ ભાવવાહી કથાનું રસપાન કરી ધન્યતા અનુભવી હતી.

Related Posts