રાજ્યને ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી યુક્ત બનાવવા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજયભરમાં પ્રાકૃતિક કૃષિ અન્વયે મિશન મોડમાં પ્રયાસો શરૂ છે, રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અપનાવતા ખેડૂતોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ અને તેની વિવિધ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ વિશેનું વ્યાપક માર્ગદર્શન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી લિખિત પુસ્તક ‘પ્રાકૃતિક કૃષિ’માં પણ આપવામાં આવ્યું છે.
પ્રાકૃતિક કૃષિમાં બાયો-ઇનપુટ્સનું મહત્વ શું છે ? બાયો-ઇનપુટ્સ થકી ખેતીની જમીનને મજબૂત બનાવવામાં મદદ મળે છે. બાયો-ઇનપુટ્સ એ ફાયદાકારક સજીવો અથવા છોડમાંથી મેળવેલા કુદરતી અર્કમાંથી બનાવેલ ઉત્પાદનો છે. બેકટેરિયા, ફૂગ, વાયરસ અને જંતુઓ, જેનો ઉપયોગ જીવાતોને નિયંત્રિત કરવા અથવા છોડના વિકાસને પ્રોત્સાહન આપવા માટે કૃષિ ઉત્પાદનમાં થઇ શકે છે તે એવા ઉત્પાદનો છે જે પર્યાવરણમાં ઝેરી અવશેષો છોડતા નથી. સાથે તેના ઉપયોગથી ખેડૂતો અને ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે કોઈ ખતરો નથી.
ભારત કુદરતી રીતે ઉપલબ્ધ વિવિધ કાર્બનિક પોષક તત્વોથી સમૃદ્ધ પ્રદેશ છે. પ્રાકૃતિક ખેતીમાં ઘણી મદદ કરે છે. કૃષિમાં ઉત્પાદન વધારવા માટે બાયોપેસ્ટીસાઇડ્સ અને બાયોફર્ટિલાઈઝર્સની ઉપયોગિતા ઘણા વર્ષોથી જાણીતી છે. જમીનમાં સુક્ષ્મજીવાણુ દ્વારા નાઇટ્રોજન ફિક્સેશન કરવાથી અને ખેતરના અવશેષોનો ઉપયોગ કરીને ખેતરમાં નાઇટ્રોજનને રિસાયકલિંગ કરવાથી જમીનની ગુણવત્તામાં સુધારો થાય છે. આ પ્રાકૃતિક ખેતીની ઓછા બાહ્ય ખર્ચની મુખ્ય પદ્ધતિ છે.
બાયો-ઇનપુટ્સનું મહત્વ : બાયો-ઇનપુટ્સ જમીનમાં સેન્દ્રિય પદાર્થોમાં વધારો કરે છે. બાયો-ઇનપુટ્સના બે પ્રકાર છે : (૧) પાકને પોષક તત્વો પૂરા પાડવા માટેના બાયો-ઇનપુટ્સ અને (૨) રોગ, જીવાત નિયંત્રણ માટેના બાયો-ઇનપુટ્સ. બાયો-ઈનપુટ્સના અનેક ફાયદાઓ છે, (૧) જમીનની રચનામાં સુધારો થાય છે, (૨) જૈવિક પ્રવૃત્તિઓમાં વધારો નોંધાય છે, (૩) પાણીની સંગ્રહ શક્તિમાં વધારો થાય છે. (૪) જમીનના ખેડાણની પ્રક્રિયામાં ઘટાડો થાય છે, (૫) પાકના આરોગ્યમાં ધરખમ સુધારો થાય છે. (૬) પાકને જીવાતો અને રોગોથી બચાવવામાં પણ અગત્યની ભૂમિકા ભજવે છે, (૭) ખેતીની જમીનની ગુણવત્તા જાળવવા માટે કૃષિ બાયો-ઇનપુટ્સ મહત્વપૂર્ણ ભાગ છે.
રાજ્યના ખેડૂતોમાં આ અંગે જાગૃત્તિ આવે અને તેઓ પ્રાકૃતિક કૃષિ માટે આગળ આવે તો કૃષિક્ષેત્રે અનેક સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે. રસાયણમુક્ત ખેતી થતાં જમીનની ક્ષમતામાં પણ વધારો થશે.















Recent Comments