અમરેલી

અમરેલીના નાના આંકડીયા મુકામે આયોજિત સેવા સેતુ કાર્યક્રમની મુલાકાત લેતા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા

ગુજરાત સરકારના પ્રજાભિમુખ અભિગમ અંતર્ગત નાગરિકોના વહીવટી પ્રશ્નો અને વિવિધ સરકારી યોજનાઓના લાભો સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવાના આશય સાથે અમરેલી તાલુકાના નાના આંકડીયા મુકામે સેવા સેતુ (ગ્રામ્ય) કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજાની સુખાકારીના આ મહાયજ્ઞ સમાન કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ પ્રેરક મુલાકાત લીધી હતી. રાજ્યમંત્રીશ્રીએ કાર્યક્રમના સુચારુ સંચાલનનું નિરીક્ષણ કરી ઉપસ્થિત અરજદારો અને ગ્રામજનો સાથે પ્રત્યક્ષ વાર્તાલાપ કર્યો હતો.

આ મુલાકાત દરમિયાન રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ સેવા સેતુ પરિસરમાં ઊભા કરવામાં આવેલા વિવિધ વિભાગોના સ્ટોલ્સનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને મહિલા અને બાળ કલ્યાણ પ્રવૃત્તિઓને વેગ આપતા સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) ના સ્ટોલની રાજ્યમંત્રીશ્રીએ વિશેષ મુલાકાત લીધી હતી. અહીં તેમણે સ્ટોલ પર પ્રદર્શિત કરાયેલી પોષણયુક્ત વાનગીઓ, પૂર્વ-પ્રાથમિક શિક્ષણના સાધનો અને સરકારી યોજનાઓની માહિતી મેળવી હતી. આ તકે તેમણે ઉપસ્થિત આંગણવાડી કાર્યકરો, સુપરવાઈઝરો અને અધિકારીઓ સાથે સકારાત્મક વાર્તાલાપ કર્યો હતો અને બાળકો તેમજ સગર્ભા માતાઓ સુધી પોષણ અભિયાનના લાભો સુવ્યવસ્થિત રીતે પહોંચાડવા અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

નાના આંકડીયા મુકામે આયોજિત આ કેમ્પમાં મોટી સંખ્યામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોએ ઉપસ્થિત રહીને આધારકાર્ડ, રેશનકાર્ડ, આવકના દાખલા અને આયુષ્માન કાર્ડ સહિતની વિવિધ યોજનાકીય સહાયનો સ્થળ પર જ લાભ લીધો હતો.

આ પ્રસંગે અમરેલી વિસ્તારના હોદ્દેદારો, સ્થાનિક પદાધિકારીઓ, વિવિધ કચેરીઓના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts