અમરેલી

આમળાં ખાવાની સાચી રીત શું? મીઠું-ખાંડ સાથે કેમ ન ખાવાં? આયુર્વેદ નિષ્ણાત ડૉ. પાયલ ચુડાસમાએ જણાવી સંપૂર્ણ માહિતી

આમળાંને આયુર્વેદમાં શ્રેષ્ઠ ફળોમાં સ્થાન આપવામાં આવ્યું છે. આમળાંનું નિયમિત અને યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો પાચનશક્તિ સુધારવામાં તેમજ શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડવામાં મદદરૂપ થઈ શકે છે. અમરેલીની આયુર્વેદ કોલેજના દ્રવ્યગુણ વિભાગનાં આસિસ્ટન્ટ પ્રોફેસર અને નેત્ર ચિકિત્સા ક્ષેત્ર સાથે સંકળાયેલા ડૉ. પાયલ ચુડાસમાએ આમળાંના સેવન, તેના મહત્વ અને યોગ્ય પદ્ધતિ અંગે મહત્વની માહિતી આપી છે.

આયુર્વેદિક દૃષ્ટિએ આમળાંને રસાયણ ગુણ ધરાવતું ફળ માનવામાં આવે છે. ખાસ કરીને સવારે નરણા કોઠે આમળાંનું સેવન કરવાથી શરીર માટે લાભદાયક માનવામાં આવે છે. આમળાંમાં વિટામિન-સી અને એન્ટી-ઓક્સિડન્ટ્સ પણ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને ટેકો આપે છે. આયુર્વેદમાં આમળાંને ત્વચા, વાળ અને આંખોના સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી માનવામાં આવે છે.

ડૉ. પાયલ ચુડાસમાના જણાવ્યા મુજબ, દહીં સાથે પણ આમળાંના પાવડરનો ઉપયોગ કરી શકાય છે. આયુર્વેદિક ગ્રંથોમાં દહીંના સેવન સાથે આમળાંના ઉપયોગનો ઉલ્લેખ જોવા મળે છે.

આમળાં ખાતી વખતે તેની સાથે શું લેવામાં આવે છે તે પણ મહત્વનું છે. આમળાં પર વધુ મીઠું નાખીને ખાવાથી તેના મૂળ સ્વાદ અને કેટલાક આયુર્વેદિક ગુણોમાં ફેરફાર થઈ શકે છે. તેવી જ રીતે વધુ પડતી ખાંડ કે ગોળ સાથે આમળાંનું સેવન કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. આમળાંનો મુરબ્બો બનાવવો હોય તો ઓછી માત્રામાં ખડી સાકરનો ઉપયોગ કરી શકાય છે.

બજારમાં મળતા પેકેજ્ડ આમળાંના જ્યુસના બદલે સીઝનમાં મળતાં તાજા આમળાંને પ્રાથમિકતા આપવી વધુ યોગ્ય માનવામાં આવે છે. સીઝન ન હોય ત્યારે આમળાંનો પાવડર સામાન્ય પાણી સાથે લઈ શકાય છે.

સેવનનો સમય પણ જરૂરિયાત પ્રમાણે રાખી શકાય છે. પાચન માટે જમ્યા પછી, જ્યારે તાજગી અને રોગપ્રતિકારક શક્તિ માટે સવારે નરણા કોઠે આમળાં અથવા તેનો પાવડર લઈ શકાય છે. કબજિયાતની સમસ્યામાં બપોરના ભોજન પહેલાં અથવા રાત્રે સૂતા પહેલાં હળવા ગરમ પાણી સાથે આમળાં પાવડર લેવાની પદ્ધતિ જણાવવામાં આવી છે.

આમળાં ફાયદાકારક હોવા છતાં દરેક વ્યક્તિની પ્રકૃતિ અને સ્વાસ્થ્ય સ્થિતિ અલગ હોય છે. તેથી કોઈ ચોક્કસ રોગ માટે નિયમિત ઔષધીય ઉપયોગ કરતા પહેલાં આયુર્વેદિક તબીબની સલાહ લેવી યોગ્ય છે.

Related Posts