સાવરકુંડલા સ્થિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે પરમ વંદનીય પૂજ્ય મોરારિબાપુએ આજે ઓચિંતી અને આત્મીય મુલાકાત લઈ દર્દીનારાયણના કુશળ સમાચાર પૂછ્યા અને સૌને આશીર્વાદ પાઠવ્યા.
પૂજ્ય બાપુએ વિવિધ ઓપીડી, મેડિકલ સ્ટોર, સર્જિકલ અને ઓર્થોપેડિક વોર્ડની મુલાકાત લઈ દર્દીઓ સાથે સંવાદ કર્યો. ગાયનેક વિભાગમાં પ્રસૂતા માતાઓ અને નવજાત શિશુઓને મળ્યા તેમજ NICUમાં પ્રિટર્મ બાળકના સ્વાસ્થ્યલાભ માટે પ્રાર્થના કરી.
ડાયાલિસિસ વિભાગની મુલાકાત દરમિયાન દર્દીઓ સાથે આત્મીય સંવાદ કરતાં અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ લેતી ૧૨ વર્ષની બાળકીની તબિયત અંગે બાપુએ વિશેષ સંવેદના વ્યક્ત કરી.
આ મુલાકાત દરમિયાન સેવા અને સમાનતાનું અનોખું ઉદાહરણ પણ જોવા મળ્યું. પ્રસાદગૃહની મુલાકાતે આવેલા બાપુએ દર્દીનારાયણ, તબીબો અને સ્ટાફ માટે તૈયાર થતો એ જ પ્રસાદ પોતાના ભિક્ષાપાત્રમાં ગ્રહણ કર્યો. ‘સેવામાં કોઈ ભેદ નહીં, પ્રસાદમાં કોઈ ભેદ નહીં’ના ભાવને બાપુએ પોતાના આચરણથી વધુ પવિત્ર બનાવ્યો.
આ સાથે નવનિર્માણાધીન વિશ્વાસ બિલ્ડિંગની કામગીરી અંગે માહિતી મેળવી બાપુએ રાજીપો વ્યક્ત કર્યો અને જાન્યુઆરી ૨૦૨૭માં તેને દર્દીનારાયણની સેવામાં અર્પણ કરવાની ભાવના માટે આશીર્વાદ આપ્યા. આ પ્રસંગે બાપુએ સૌના પ્રસાદ માટે રૂ. ૫૦,૦૦૦નું તુલસીપત્ર પણ અર્પણ કર્યું.
બાપુની આ સમગ્ર મુલાકાતે આરોગ્ય મંદિરના સેવા-સંકલ્પને વધુ બળ આપતાં એક જ સંદેશ જીવંત કર્યો—“દર્દીમાં દેવ અને સેવામાં સાધના.”
અંતે પૂજ્ય મોરારિબાપુએ આશીર્વાદ આપતાં કહ્યું:
“મારો હનુમાન સૌને સારું સ્વાસ્થ્ય આપે, સૌનાં દુઃખ હરિ લે અને દરેક દર્દીનારાયણના જીવનમાં આરોગ્ય, આનંદ અને શાંતિ ભરે.”


















Recent Comments