અમરેલી

તાતણીયા ગીરના ‘જીવતા ગાંધી’ પૂ. બાલુ બાપા ગઢીયાના આધ્યાત્મિક ગીતા પ્રેમ અને અહિંસાનો મૂર્તિમંત પ્રસંગ

​જેણે ઉઠાવી હતી બંદૂક 

એ ચરણોમાં નમી ગયા,

બાપાની એ ક્ષમાના સમંદર                               પશ્ચાતાપમાં સાવ શમી ગયા.

​ગોળીના પ્રહાર સામે પણ 

જેમણે વેર ના રાખ્યું,

એ ગીરના સંતે જગતને 

અહિંસાનું મીઠું અમૃત આખ્યું.

— “પાંધી સર”

ઇતિહાસના પાના પર કેટલીક એવી વિભૂતિઓ અંકિત થઈ જાય છે, જેમના કાર્યો સમાજ માટે યુગો સુધી દીવાદાંડી સમાન બની રહે છે. આવા જ એક વિરલ મનીષી અને અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના તાતણીયા ગામના ગૌરવ, ‘તાતણીયા ગીરના જીવતા ગાંધી’ તરીકે જાણીતા પૂજ્ય બાલુ બાપા ગઢીયાના આધ્યાત્મિક જીવન અને ભૂદાન ચળવળના સંસ્મરણો આજે પણ લોકમાનસમાં જીવંત છે. માત્ર ઉપદેશ નહીં પરંતુ પોતાના આચરણ દ્વારા વ્યવહારિક જીવનમાં ગાંધી વિચારો અને ગીતાના જ્ઞાનને ચરિતાર્થ કરનાર બાલુ બાપાનો આધ્યાત્મિક પ્રેમ સમગ્ર પંથક માટે સદા પ્રેરણાદાયી રહ્યો છે.

​વર્ષ ૧૯૫૧માં આચાર્ય વિનોબા ભાવે દ્વારા શરૂ કરાયેલ ભૂદાન ચળવળ એ શાંતિપૂર્ણ અને અહિંસક જમીન સુધારણા આંદોલન હતું. આ ભગીરથ કાર્ય માટે વિનોબાજીએ ૭૨,૦૦૦ કિલોમીટરની અભૂતોપૂર્વ પદયાત્રા કરી હતી. ગુજરાતમાં આ વૈચારિક ક્રાંતિને વેગવંતી બનાવવા ગાંધીવિચારથી પ્રેરિત બાબાપુરની ‘સર્વોદય સંસ્થા’ મોટું કેન્દ્ર બની હતી. સ્વાતંત્ર્ય સેનાની સ્વ. ગુણવંતરાય પુરોહિતે ગ્રામ્ય સ્તરે શિક્ષણના વ્યાપ માટે ‘નઈ તાલીમ’ શાળાઓ શરૂ કરી હતી. આ અંતર્ગત જ એક નિઃસ્વાર્થ પદયાત્રી સાયકલ પર વિનોબાજી લિખિત ‘ગીતા પ્રવચનો’ અને ‘ભૂમિપુત્ર’ સામયિકના પ્રસાર-પ્રચાર અર્થે તાતણીયા ગામે આવી પહોંચ્યા હતા. આધ્યાત્મિક ગ્રંથોના ઊંડા અભ્યાસુ એવા બાલુ બાપાએ તેમની સાથે ગીતા જ્ઞાન ગોષ્ઠી કરી, સ્થાનિક શાળામાં સુંદર કાર્યક્રમ યોજી આ પ્રવૃત્તિમાં અગ્રેસર રહી સહયોગ આપ્યો હતો.

​ભૂદાન ચળવળ અને ‘ખેડે તેની જમીન’ અભિયાન દરમિયાન સમાજના વંચિતોને ન્યાય અપાવવાના માર્ગમાં બાલુ બાપાએ અનેક વિરોધોનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન એક વખત ખુદ બાલુ બાપા ગઢીયા પર બંદૂકની ગોળી ચલાવીને હુમલો કરવામાં આવ્યો હતો. પરંતુ બાપાની પુણ્યની કમાણીથી તેઓ હેમખેમ બચી ગયા અને પગમાં માત્ર સામાન્ય ઈજા થઈ હતી. ગોળીનો પ્રહાર કરનાર વ્યક્તિ પણ બાલુ બાપાની નિર્વૈરતા જોઈને તેમના ચરણોમાં પડીને ધ્રુસકે-ધ્રુસકે રોઈ પડ્યો હતો. બાપાએ આ ઘટનાને ક્યારેય જાહેરમાં પ્રસિદ્ધ થવા ન દીધી, કારણ કે તેમનો ઉદ્દેશ્ય કોઈ વેરભાવ વધારવાનો નહીં પણ હૃદય પરિવર્તનનો હતો. બાપાની ઉદારતાથી હુમલાખોર પશ્ચાતાપની અગ્નિમાં ઓગળીને સન્માર્ગે વળી ગયો હતો.

​બાલુબાપા ગઢીયા પર થયેલ આ ગોળીબારની ઘટનાની જાણ પરિવારમાં માત્ર *તેમના જ્યેષ્ઠ સુપુત્રી અને સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીના માતુશ્રી સ્વ. શારદાબેન પાંધી, બાલુબાપાના બીજા નંબરના સુપુત્રી ગં. સ્વ. મંજુલાબેન સોનપાલ તથા બાલુબાપાના સુપુત્ર સ્વ. હસમુખભાઈ ગઢીયાને જ હતી. બાપાના નાના સુપુત્ર જયંતભાઈ ગઢીયાને આ વાતની જાણ ન હતી. એક વખત બાલુબાપાના સુપુત્ર આ જયંતભાઈએ આ સંદર્ભે પૂછતાં બાલુબાપાએ સ્પષ્ટ અને ગર્ભિત શબ્દોમાં કહ્યું હતું કે, *”જો બીત ગઈ સો બાત ગઈ..!! જે વિરોધી હતાં તે જ હવે પ્રશંસક છે અને પશ્ચાતાપની આગમાંથી પસાર થઈને પવિત્ર થયા છે, એટલે આ વાત ઉખેળવી યોગ્ય નથી.”*

​જ્યારે પૂજ્ય બાપાની અંતિમક્રિયા સમયે અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા, ત્યારે તેમના પગમાં *એ ગોળીના છરા વાગ્યાના નિશાન સ્પષ્ટ જોઈ શકાતા હતાં. એ મહામાનવે ગોળીબાર કરનારને હૃદયથી ક્ષમા આપેલી, એ વાત જાણે એ મુખાગ્નિ સમયે પણ સ્પષ્ટ વંચાતી હતી.* તેમનો આ આધ્યાત્મિક પ્રેમ અને માનવતાવાદી અભિગમ આવનારી પેઢીઓ માટે એક અમૂલ્ય અને પવિત્ર વારસો છે.

Related Posts