રાજ્યકક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણીના અવસરે અમરેલી પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે સંકુલની વિદ્યાર્થિનીઓ સાથે આત્મીય સંવાદ સાધી તેમને પ્રોત્સાહિત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થિનીઓ સાથે સંવાદ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી તરીકેની જવાબદારીઓ, વિદ્યાર્થીકાળના મૂલ્યો, નારી સશક્તિકરણ અને કારકિર્દી નિર્માણ જેવા અગત્યના વિષયો પર પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થિનીઓ દ્વારા પૂછવામાં આવેલા વિવિધ પ્રશ્નોના ઉત્તર આપતાં મુખ્યમંત્રીશ્રીએ દેશના વિકાસમાં યુવાશક્તિ અને નારીશક્તિના યોગદાનને ઉજાગર કર્યું હતું.
મુખ્યમંત્રી તરીકેની ભૂમિકા અને જવાબદારી વિશે પ્રશ્નનો જવાબ આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના વડા તરીકે રાજ્યના સર્વાંગી વિકાસની સંપૂર્ણ જવાબદારી મુખ્યમંત્રીની હોય છે. નાગરિકોની જન સુખાકારી અને રાજ્યના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રીએ કામ કરવાનું હોય છે.
રાજકારણમાં મહિલાઓની ભાગીદારી અંગે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે કરવામાં આવેલા ૩૩ ટકા અનામતના ઐતિહાસિક નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૫૦ ટકા ભાગીદારી બાદ હવે વિધાનસભા અને લોકસભામાં પણ મહિલાઓની ભાગીદારી વધવાથી સમાજના પ્રશ્નો અને કાયદા ઘડતરની પ્રક્રિયામાં નારીશક્તિનું યોગદાન વધશે.
‘સારા નાગરિક તરીકે વિદ્યાર્થીઓએ શું શીખવું જોઈએ?’ એવા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, નિર્દોષ મજાક-મસ્તી વિદ્યાર્થી જીવનનો ભાગ છે, પરંતુ આપણી રમત કે વર્તનથી કોઈ અન્ય વ્યક્તિ દુભાય કે હેરાન થાય તે યોગ્ય નથી. આપણા સંસ્કાર જ આપણી ઓળખ છે.
કારકિર્દી ઘડતર અંગે સલાહ આપતાં મુખ્યમંત્રીશ્રીએ સોશિયલ મીડિયા, ટીવી અને રીલ્સના વધુ પડતા ઉપયોગ સામે સાવધાની વર્તવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, આજના યુગમાં પ્રલોભનો અને સમય બગાડતા સાધનો ખૂબ છે. સફળતા મેળવવા માટે વિદ્યાર્થીઓએ સમયનું યોગ્ય આયોજન કરવું પડશે. કારકિર્દી ઘડવા માટે એકાગ્રતા જ સૌથી મોટો મંત્ર છે.
વડાપ્રધાનશ્રીના મંત્રને યાદ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ‘સૌનો સાથ, સૌનો વિકાસ‘ સાથે ‘સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ‘ પણ એટલા જ મહત્વના છે. કોઈપણ કાર્યમાં પરસ્પર વિશ્વાસ અને સાથે મળીને કરવામાં આવતો પ્રબળ પ્રયાસ જ દેશને અને સમાજને બમણી ગતિથી આગળ લઈ જઈ શકે છે.
સ્વાગત પ્રવચનમાં ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે, ૧૯૯૭માં માત્ર ૭૩ દીકરીઓથી શરૂ થયેલું ગજેરા સંકુલ આજે વટવૃક્ષ બન્યું છે. આ સંસ્થામાં બાળમંદિરથી લઈને પીજી સુધી ૧૨થી વધુ સ્કૂલ-કોલેજોમાં ૮,૦૦૦ જેટલી દીકરીઓ અભ્યાસ કરી રહી છે. મંત્રીશ્રીએ રાજ્ય સરકાર દ્વારા દીકરીઓ માટે ચલાવવામાં આવતી ‘નમો લક્ષ્મી‘, ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના‘, ‘બિનઅનામત કેટેગરી સહાય‘ અને ‘ડિજિટલ ગુજરાત‘ જેવી વિવિધ યોજનાઓ અંતર્ગત સંકુલની વિદ્યાર્થીનીઓને કરોડો રૂપિયાની મળેલી સીધી આર્થિક સહાય બદલ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
સંબોધનમાં રાજ્યમંત્રીશ્રીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને અમરેલી પ્રત્યેના વિશેષ સ્નેહની સરાહના કરતા જણાવ્યું હતું કે, વાત શિક્ષણની હોય કે સમગ્ર અમરેલી જિલ્લાના સર્વાંગી વિકાસની, રાજ્ય સરકારની કલ્યાણકારી નીતિઓ અને સતત માર્ગદર્શનના કારણે આજે અમરેલી જિલ્લો વિકાસના માર્ગે ઝડપી ગતિથી આગળ વધી રહ્યો છે.
આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી અને અમરેલી જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, સંસ્થાના પ્રમુખ શ્રી મનુભાઈ ઠુંમર, ઉપપ્રમુખ શ્રી પ્રતાપભાઈ જોગાણી, મંત્રી શ્રી મનુભાઈ ડાવરીયા, અગ્રણી શ્રી અતુલભાઇ કાનાણી અને શ્રી અભયસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments