અમરેલી

માનવતાની મહેક: સાવરકુંડલામાં અસહ્ય ઉકળાટ વચ્ચે સેવાનો ત્રિવેણી સંગમ.

​ધરા પર જે વહાવી છે 

અનોખી પ્રેમની ધારા,

તરસ છીપાવી માનવની,

 દીધા છે જ્ઞાનના ઇશારા.

​નથી ભેદભાવ કોઈ જ્યાં, 

બસ સેવા તણો સાગર,

ખરા ઉકળાટમાં લાવ્યા પ્રભુ, 

આ શીતળતાના કિનારા.

​— પાંધી સર

સાવરકુંડલા શહેરમાં આવેલ મહિલા ઉત્થાન મંડળ દ્વારા પવિત્ર અધિક માસની દર્શ અમાવસ્યા (અમાસ) ના પાવન અવસરે સાવરકુંડલા શહેરમાં એક ભવ્ય અને પ્રેરણાદાયી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મંડળની બહેનો દ્વારા આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત રાહદારીઓને શીતળતા આપવા માટે શરબત અને છાશ વિતરણ કરવામાં આવ્યું હતું, જેને સ્થાનિક જનતાએ ખુબ બિરદાવ્યું હતું.

​ભેદભાવ વગર હજારો રાહદારીઓએ તૃપ્તિનો અહેસાસ કર્યો. 

​શહેરના હાર્દ સમાન રિદ્ધિસિદ્ધિનાથ મહાદેવ મંદિર ચોક ખાતે આ પુણ્યશાળી કાર્યક્રમ યોજાયો હતો. હાલ જ્યેષ્ઠ માસના વાદળછાંયા વાતાવરણ અને વરસાદી ઉકળાટને કારણે અસહ્ય ગરમી પડી રહી છે, ત્યારે વટેમાર્ગુઓ માટે આ આયોજન આશીર્વાદરૂપ સાબિત થયું હતું. મંડળની બહેનોએ ખાસ કુદરતી નિકાલ તરીકે કેશુડાના ફૂલોના અર્કમાંથી તૈયાર કરેલું ખાસ આયુર્વેદિક શરબત અને ઠંડી-અમૃત જેવી છાશનું વિતરણ કર્યું હતું. કોઈપણ જાતના નાત-જાત કે વર્ગના ભેદભાવ વિના તમામ જ્ઞાતિના રાહદારીઓએ બહોળી સંખ્યામાં આ પ્રસાદનો લાભ લઈ ગરમીમાં રાહત મેળવી હતી.

​સંસ્થા દ્વારા માત્ર શારીરિક તૃપ્તિ જ નહીં, પરંતુ લોકોની જ્ઞાન પિપાસા (જીજ્ઞાસા) સંતોષવા માટે અનોખો પ્રયાસ કરાયો હતો. શરબત-છાશની સાથે સાથે ઉચ્ચ વિચારોના સિંચન માટે “ઋષિ પ્રસાદ” સામયિક (મેગેઝિન) અને કેલેન્ડરનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આધ્યાત્મિક અને સામાજિક જ્ઞાન આપતા આ પુસ્તકો મેળવીને લોકોએ ખુશી વ્યક્ત કરી હતી.

​આ સમગ્ર આયોજનને સફળ અને વ્યવસ્થિત બનાવવા માટે સેવાભાવી અગ્રણીઓ શ્રી ધ્રુવિત ચુડાસમા તથા શ્રીમતી શીતલબેન ચુડાસમાએ તનતોડ મહેનત અને ભારે જહેમત ઉઠાવી હતી. તેમની આગેવાની અને મહિલા મંડળની બહેનોના અથાક પરિશ્રમને કારણે આખો કાર્યક્રમ ખૂબ જ સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો.

સાવરકુંડલાની જનતાએ મહિલા ઉત્થાન મંડળની બહેનોના આ ભગીરથ કાર્યને મુક્ત કંઠે વખાણ્યું હતું. સમાજસેવાના આવા નિઃસ્વાર્થ કાર્યો થકી સમાજમાં માનવતા, પરોપકાર અને પરમાર્થની સુંદર ભાવનાનો સંદેશ પ્રસરે છે, જે અન્ય સામાજિક સંસ્થાઓ માટે પણ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ અને પ્રેરણારૂપ બન્યું છે.એમ રવિ જોષીએ એક યાદીમાં જણાવ્યું હતું

Related Posts