ગુજરાત

ગીરના નાના ગામડામાંથી સુરતમાં સેવાની જ્યોત: ફી ભરવાના ફાંફા હતા, આજે દસ વર્ષથી ચલાવે છે વિનામૂલ્યે હેલ્થ સેન્ટર

​હતી ના ફી છતાં હિંમત ન 

હાર્યો એ ગીરનો લાલ,

​ખુલ્લું રાખે છે સેવાનું સદન સૌ માટે                  એ ભૂલી પોતાની ગઈકાલ.

–“પાંધી સર” 

​મનમાં જો કંઈક કરી છૂટવાનો દ્રઢ સંકલ્પ હોય અને માતા-પિતાના ઉમદા સંસ્કારોનું ભાથું હોય, તો ગમે તેવી ગરીબાઈ પણ માણસને ઉન્નત શિખરે પહોંચતા રોકી શકતી નથી. આવો જ એક પ્રેરણાનો સ્ત્રોત અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગીર વિસ્તારમાં આવેલા નાનકડા ગામ તાતણિયા અને ત્યાંની ‘જનતા વિદ્યાલય’ સાથે જોડાયેલો સામે આવ્યો છે. ૧૯૮૦ના દાયકામાં અત્યંત પછાત અને ગ્રામ્ય ગીર વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ જે કપરી પરિસ્થિતિમાં ભણતા હતા, તેનું જીવંત અને હૃદયસ્પર્શી ઉદાહરણ નરેશકુમાર વ્રજલાલ ગઢિયાએ પૂરું પાડ્યું છે.

​તાતણિયાની જનતા વિદ્યાલયના નિવૃત્ત પ્રિન્સિપાલ શ્રી હરિભાઈ મોરે ભૂતકાળના દિવસો યાદ કરતાં જણાવ્યું હતું કે, એક સમય એવો હતો જ્યારે નરેશકુમારના પિતા ખંભે ખોળ-કપાસિયાની ગુણો ઉંચકીને સખ્ત તનતોડ મજૂરી કરતા હતા. શાળાની ફી ભરવાના પણ ફાંફા હોય તેવી કારમી પરિસ્થિતિ વચ્ચે નરેશકુમારે અભ્યાસ પૂરો કર્યો હતો. સમય જતાં, તેઓ વતનથી દૂર હીરાનગરી સુરત ખાતે સ્થાયી થયા અને પોતાની વ્યાપારિક કુશળતાના જોરે અસાધારણ સમૃદ્ધિ મેળવી.

​સંસ્કારોનું સિંચન અને વિનામૂલ્યે હેલ્થ સેન્ટર

​સમૃદ્ધિ મેળવ્યા બાદ પણ નરેશભાઈ પોતાના ભૂતકાળને અને વતનના સંસ્કારોને ભૂલ્યા નથી. બ્રહ્માકુમારીઝ સંસ્થાના સંગાથે તેમનામાં ધાર્મિક અંકુરો ફૂટ્યા અને દુઃખી-પીડિત લોકોની સેવા કરવાનો શુભ ભાવ જાગ્યો. આ લોકકલ્યાણના વિચાર સાથે તેમણે સુરતમાં પોતાનું ‘હોલી હેલ્થ સેન્ટર’ શરૂ કર્યું. આ ક્લિનિક છેલ્લા દસ વર્ષથી દરરોજ સવારે ૮:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી કોઈપણ જાતના ભેદભાવ વિના દર્દીઓને તદ્દન મફત (વિનામૂલ્યે) તબીબી સેવાઓ પુરી પાડી રહ્યું છે.

તાજેતરમાં જ જનતા વિદ્યાલયના પૂર્વ આચાર્ય શ્રી હરિભાઈ મોરે સુરત ખાતે આ હેલ્થ સેન્ટરની મુલાકાત લીધી હતી. વર્ષો પછી પોતાના ગુરુને સામે જોઈને શિષ્ય નરેશકુમાર ભાવવિભોર થઈ ગયા હતા અને બંનેની આંખોમાં ભૂતકાળના સંઘર્ષના દિવસો તરી આવ્યા હતા. હરિભાઈએ ગૌરવભેર જણાવ્યું કે, “જે બાળકના ભણતર સમયે ફી ભરવાની શક્તિ નહોતી, તેને આજે સમાજની આટલી મોટી કલ્યાણકારી સેવા કરતો જોઈ મારો આત્મા તૃપ્ત થઈ ગયો છે. માતા-પિતાના સાચા સંસ્કાર જ માણસને સમૃદ્ધિની સાથે સદ્દબુદ્ધિ આપે છે.”

​આમ, તાતણિયાના આ પનોતા પુત્રએ ‘સેવા એ જ પરમ ધર્મ’ના સૂત્રને પોતાના જીવનમાં ઉતારીને સાબિત કરી બતાવ્યું છે કે માનવ સેવા સિવાય આ દુનિયામાં બીજો કોઈ મોટો ધર્મ નથી. તેમની આ સફર આજે હજારો યુવાનો માટે પ્રેરણાદાયી બની રહી છે.

Related Posts