અમરેલી

સાવરકુંડલામાં ક્ષત વિક્ષત એ પાલા બજાર શું હવે એક સ્વપ્ન બની જશે? વિકાસ વિ માનવતાનું દ્વંદ્વ

​વિકાસના આ નામે 

કેવું આક્રંદ થાય છે,

રોજી છીનવીને ઘર 

હવે વેરાન થાય છે.

​આંસુ ભરેલી આંખમાં 

સવાલો છે હજારો,

ગરીબના નિસાસાથી 

ઈશ્વર પણ દ્રવી જાય છે.

​–“પાંધી સર”

​સાવરકુંડલા શહેરમાં વિકાસના નામે લેવાયેલા એક નિર્ણયે સેંકડો ગરીબ પરિવારોના મોંમાંથી કોળિયો છીનવી લીધો છે. વર્ષોથી નદી બજારમાં નાના-મોટા પાલા (કેબિન/દુકાન) ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા વેપારીઓ આજે નોંધારા બની ગયા છે. ત્રણ-ત્રણ પેઢીથી જ્યાં આજીવિકા મળતી હતી, ત્યાં આજે માત્ર કાટમાળ અને વેપારીઓની આંખમાં આંસુ બાકી રહ્યા છે.હવે તો એ આંસુઓ પણ વહી વહીને નિષપ્રાણ થઈ સૂકા ભઠ્ઠ થઈ ગયા છે.!! 

​સ્થાનિક પાલા ધારકોની વ્યથા સાંભળીને પથ્થર દિલના માણસનું હૈયું પણ દ્રવી ઉઠે તેમ છે. એક વેપારીએ પોતાની પીડા ઠાલવતા જણાવ્યું કે, “૨૦ વર્ષ સુધી દીકરીને ઉછેરીને સાસરે વળાવીએ ત્યારે જે દુઃખ થાય, તેનાથી વધુ દુઃખ આજે આ પાલા છીનવાતા થયું છે.” ઘણા વેપારીઓએ લોન લઈને કે ઘર ગીરે મૂકીને આ નાનો ધંધો શરૂ કર્યો હતો, જે હવે પાયમાલ થઈ ગયો છે.

​સૌથી વધુ કરૂણ સ્થિતિ બીમાર અને વૃદ્ધોની છે. એક કેન્સર પીડિત વેપારી, જેના પર ૧૩ સભ્યોના પરિવારની જવાબદારી છે, તેમણે રડતા અવાજે પ્રશ્ન કર્યો કે દરરોજની ૫૦૦ રૂપિયાની દવા અને પરિવારનું ભોજન હવે ક્યાંથી આવશે? આ માત્ર આર્થિક પ્રશ્ન નથી, પણ અસ્તિત્વની લડાઈ બની ગઈ છે.

​હાલમાં આ તમામ અસરગ્રસ્તોની તંત્ર પાસે એક જ માંગ છે: માનવતાના ધોરણે તેમને ધંધો કરવા માટે કોઈ વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે, જેથી તેઓ ભીખ માંગવાની સ્થિતિમાંથી બચી શકે અને સ્વમાનભેર જીવી શકે.

હવે જોવાનું એ રહે છે કે આ સંદર્ભે તંત્ર કેટલું લચીલું બની નિર્ણય લે છે.. 

Related Posts