કોઈના અંધકાર જીવનમાં
નવો ઉજાસ લાવીએ,
ચાલો નિઃસ્વાર્થ ભાવે આંખોનો આઈનો સજાવીએ.
૧૮ વર્ષથી વહે છે અહીંયા
આ સેવાની સરવાણી,
પીડા હરીને સૌના ચહેરા પર સ્મિત લાવીએ.
–“પાંધી સર”
માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા, આજ રોજ તારીખ ૨૮/૦૫/૨૦૨૬ ને ગુરુવારના દિવસે સાવરકુંડલા મુકામે એક ભવ્ય અને વિનામૂલ્યે નેત્ર નિદાન તેમજ નેત્રમણી આરોપણ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સદ્ગુરુ શ્રી કબીર સાહેબ સેવા ટ્રસ્ટ (સાવરકુંડલા), લાયન્સ ક્લબ ઓફ અમરેલી સિટી અને શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સંચાલિત સુદર્શન નેત્રાલય હોસ્પિટલ (અમરેલી) ના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પ યોજાયો હતો. આંખના રોગોથી પીડાતા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીનારાયણ માટે આ કેમ્પ આશીર્વાદરૂપ સાબિત થયો છે.
કેમ્પની શરૂઆત કબીર ટેકરીના પરમ પૂજ્ય મહંત શ્રી નારણદાસ સાહેબ તથા અરુણલાલ સાહેબના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે સામાજિક સેવા સંસ્થાન શ્રી બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સર્વશ્રી વિશાલ વ્યાસ અને માધવ વ્યાસ, તેમજ અગ્રણીઓ જગદીશભાઈ જેઠવા અને જિતેનભાઇ હેલૈયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કેમ્પમાં કુલ ૭૮ દર્દીઓએ ઓ.પી.ડી. (OPD) અંતર્ગત પોતાની આંખોનું ઝીણવટભર્યું નિદાન કરાવ્યું હતું. તેમાંથી ૧૪ જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે પસંદ કરવામાં આવ્યા છે, જેમનું ઓપરેશન સંપૂર્ણપણે વિનામૂલ્યે કરવામાં આવશે. સુદર્શન નેત્રાલયના તબીબી કર્મચારીઓ અતુલભાઈ દવે, નિલેષભાઈ ભીલ, હિંમતભાઈ કાછડીયા તથા તેમની સમગ્ર ટીમે દર્દીઓની ઉત્કૃષ્ટ સેવા કરી હતી. આ સાથે કબીર ટેકરીના ઉત્સાહી સ્વયંસેવકોએ પણ કેમ્પની વ્યવસ્થા જાળવવામાં પ્રશંસનીય યોગદાન આપ્યું હતું.
૧૮ વર્ષની અવિરત સેવા યાત્રા
અત્રે ઉલ્લેખનીય છે કે, માનવતાનું આ ઉમદા કાર્ય કોઈ આજકાલનું નથી, પરંતુ છેલ્લા ૧૮ વર્ષથી દર મહિનાના ચોથા ગુરુવારે નિયમિતપણે આ જ પ્રકારે વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરીને અંધકાર તરફ ધકેલાતા લોકોના જીવનમાં પ્રકાશ પાથરવાનું ભગીરથ કાર્ય કરવામાં આવે છે.

















Recent Comments