ભૂખ્યા મુખે જે અન્નનો દાણો ધરે છે
સાચે જ એ માણસમાં પ્રભુ વાસ કરે છે.
છોડીને મોહ માયા જે આપે છે દાન અહીં,
એવા જ દિલ અંધારામાં અજવાળું કરે છે.
–“પાંધી સર”
સાવરકુંડલા શહેરમાં
સ્થાનિક સ્તરે ગરીબો અને ભિક્ષુકોની જઠરાગ્નિ ઠારવાનું ભગીરથ કાર્ય કરતી સંસ્થા ‘ધ ઉડ્ડાન વેલફેર ફાઉન્ડેશન’ સંચાલિત ‘પ્રભુ નો પ્રસાદ’ પ્રોજેક્ટમાં તાજેતરમાં એક પ્રેરણાદાયી સહયોગ સાંપડ્યો છે. સમાજના વંચિત અને જરૂરિયાતમંદ લોકો સુધી દરરોજ ભોજન પહોંચાડવાના આ સેવાયજ્ઞમાં જી.ઇ.બી. (GEB) ના નિવૃત કર્મચારી શ્રી મનસુખભાઈ લાડવા તરફથી ૧૫ મણ ઘઉંનું ઉદાર હાથે અનુદાન આપવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ધ ઉડ્ડાન વેલફેર ટ્રસ્ટ દ્વારા ‘પ્રભુ નો પ્રસાદ’ બેનર હેઠળ શહેરના જાહેર સ્થળો પર વસતા ભિક્ષુકો અને અસહાય લોકોને (જેમને સંસ્થા ‘પ્રભુના માણસ’ તરીકે ઓળખાવે છે) દરરોજ સન્માનભેર ગરમાગરમ ભોજન પીરસવામાં આવે છે. કોઈ ભૂખ્યું ન સૂવે તેવા ઉમદા આશય સાથે ચાલતી આ પ્રવૃત્તિ સમાજ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારોએ દાતા શ્રી મનસુખભાઈ લાડવા પ્રત્યે કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આવા સેવાભાવી સજ્જનોના સહયોગથી જ આ સેવાયજ્ઞ અવિરત ચાલી રહ્યો છે. મનસુખભાઈના આ ૧૫ મણ ઘઉંના અનુદાન બદલ સંસ્થા તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.” સંસ્થાએ અન્ય નાગરિકોને પણ આ માનવતાવાદી કાર્યમાં પોતાની શક્તિ મુજબ સહભાગી થવા અપીલ કરી છે.

















Recent Comments