ગુજરાત

૧૨ વર્ષ – વિકાસ, જનવિશ્વાસ અને જનકલ્યાણના, મેટ્રો રેલ નેટવર્ક : ગુજરાતના શહેરોમાં આધુનિક જાહેર પરિવહનથી વધી રહ્યું છે ઈઝ ઑફ લિવિંગ

સવારના આઠ વાગ્યા છે. અમદાવાદના વ્યસ્ત માર્ગો પર વાહનોની અવરજવર ધીમે ધીમે વધી રહી છે. શહેર પોતાની રોજિંદી ગતિ પકડી રહ્યું છે. ત્યારે મેટ્રો ટ્રેનમાં મુસાફરી દરમિયાન કોઈ સમાચાર વાંચી રહ્યું છે, કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યું છે, તો કોઈ પોતાના આગામી કામનું આયોજન કરી રહ્યું છે. અમદાવાદના જાહેર પરિવહનનું બદલાયેલું આ ચિત્ર છે.

મેટ્રો ટ્રેનને પરિણામે દૈનિક ધોરણે મુસાફરી કરતાં નાગરિકોના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું છે. તે જોઈએ. મીડિયા રિસર્ચર તરીકે કાર્યરત ઋચા માટે મેટ્રો આશીર્વાદરૂપ બની છે. અમદાવાદથી ગાંધીનગર અપ-ડાઉન કરતી ઋચાને એક સમયે ગાંધીનગર ખાતેની ઓફિસ પહોંચવા અનેક વાહનો બદલવા પડતા. વળી, ટ્રાફિકમાં તેનો કિમતી સમય પણ બગડતો. પણ અમદાવાદ –ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન શરુ થયા બાદ તેનું પરિવહન વધુ આરામદાયક બન્યુ છે. આજે તે મેટ્રોની મુસાફરી દરમિયાન સમાચાર વાંચે છે, પોતાના ક્ષેત્રનું સંશોધન કરે છે અને દિવસનું આયોજન પણ કરી લે છે. ઋચા કહે છે. “મેટ્રોએ મારી મુસાફરીને સરળ અને સુરક્ષિત બનાવી છે. મેટ્રોની મુસાફરીના કારણે હું સમયનો સદઉપયોગ કરી શકું છું.”

મેટ્રોના આગમનના પરિણામે માત્ર ઋચા જ નહીં અનેક મુસાફરો માટે જાહેર પરિવહન વધુ આરામદાયક તેમજ સસ્તુ બન્યું છે. મેટ્રોના પરિણામે અમદાવાદ શહેરના જાહેર પરિવહનમાં ઘણું મોટું પરિવર્તન આવ્યું છે. મેટ્રોના ફેઝ -૧ નેટવર્કથી અમદાવાદના સ્થાનિક વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દૈનિક મુસાફરોને લાભ થયો છે. વળી, તેનાથી આશ્રમ રોડ, સી.જી.રોડ અને પૂર્વ વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ ઘટ્યું છે. ફેઝ -૧ નેટવર્ક શહેરના સૌથી વધુ વ્યસ્ત પરિવહન કેન્દ્રોને જોડે છે.
મેટ્રો ફેઝ-૨ના નેટવર્કના વિસ્તારથી રાજ્યના આર્થિક પાટનગર – અમદાવાદ અને રાજકીય પાટનગર- ગાંધીનગર વચ્ચે પરિવહન વધુ સરળ બન્યું છે. ફેઝ -૨ કાર્યરત થતાં સચિવાલય ખાતે કાર્યરત સરકારી કર્મચારીઓ ઉપરાંત ગીફ્ટ સીટી ખાતે કાર્યરત આઈટી પ્રોફેશનલ્સની મુસાફરી વધુ સુવિધાનજક બની છે.

મેટ્રોથી બદલાયું શહેરી પરિવહનનું ચિત્ર
આજે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું મેટ્રો નેટવર્ક ધરાવે છે. જે આધુનિક શહેરી પરિવહનમાં તેની પ્રગતિ દર્શાવે છે. મેટ્રો નેટવર્ક વર્ષ ૨૦૧૪માં ૨૪૮ કિલોમીટર હતું, જે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વધીને ૧,૦૯૫ કિમીએ પહોંચ્યું છે. દેશમાં મેટ્રો કવરેજ ધરાવતા શહેરોની સંખ્યા ૫ હતી , તે વધીને આજે ૨૬ પહોંચી છે.

પર્યાવરણની જાળવણી સાથે પ્રગતિ
ભારતની મેટ્રો રેલ વ્યવસ્થામાં પર્યાવરણનો પણ ખાસ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત, મોટાભાગની મેટ્રોમાં ‘રીજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ’નો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટેકનોલોજી ટ્રેનમાં બ્રેક મારતી વખતે પેદા થતી ગતિ ઊર્જાનું ફરીથી વીજળીમાં રૂપાંતર કરે છે. આમ, આ નવતર પહેલ વીજળીની બચત કરવાની સાથે કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં પણ મહત્વનું યોગદાન આપે છે.ગુજરાતમાં મેટ્રો પરિવહન નેટવર્કમાં પણ પર્યાવરણને અનુકુળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. અમદાવાદ મેટ્રોના ચાર અંડરગ્રાઉન્ડ સ્ટેશનો—કાંકરિયા ઈસ્ટ, કાલુપુર, ઘીકાંટા અને શાહપુર—ને ગ્રીન માસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (MRTS) રેટિંગ હેઠળ પ્રતિષ્ઠિત આઈ.જી.બી.સી. (IGBC) પ્લેટિનમ સર્ટિફિકેશન મળ્યું છે. જે પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રયાસો રાજ્યના ટકાઉ વિકાસના લક્ષ્યો સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે અને સ્વચ્છ શહેરી પરિવહનમાં મેટ્રોની વધતી જતી ભૂમિકાને દર્શાવે છે.

મેટ્રો અને મેક ઈન ઈન્ડિયા
ભારતે મેટ્રો ટ્રેન નેટવર્કમાં આધુનિકતા સાથે આત્મનિર્ભર ભારતને પણ પ્રાધાન્ય આપ્યું છે. ‘મેક-ઇન-ઇન્ડિયા’ અભિયાનના ભાગરૂપે સરકારે મેટ્રોના ઓછામાં ઓછા ૭૫ ટકા મેટ્રો કાર અને ૨૫ ટકા મુખ્ય સાધનો તેમજ પેટા-સિસ્ટમ્સની સ્થાનિક સ્તરેથી જ ખરીદી માટે જોગવાઈ કરી છે—જે સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા અને પરિવહન ક્ષેત્રે આત્મનિર્ભરતા માટેનું મહત્વપૂર્ણ કદમ છે. તાજેતરમાં ગુજરાત સરકારે ૩૪ અત્યાધુનિક મેટ્રો ટ્રેન સેટ્સ માટે ઓર્ડર આપ્યો છે, જેમાં અમદાવાદ મેટ્રો ફેઝ- ૨ માટે ૧૦ ટ્રેન સેટસ અને સુરત મેટ્રો માટે ૨૪ ટ્રેન સેટસનો સમાવેશ થાય છે. આ ટ્રેન કોલકાતામાં ટીટાગઢની અદ્યતન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે બનાવવામાં આવી રહી છે, જે હાઇ-ટેક અર્બન મોબિલિટી સોલ્યુશન્સ ક્ષેત્રે ભારતની વધતી આત્મનિર્ભરતા દર્શાવે છે.

Related Posts