સમાજસેવાના પવિત્ર ધ્યેયને સાકાર કરતી જાણીતી સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સાવરકુંડલા દ્વારા દર મહિનાના પ્રથમ શુક્રવારે આયોજિત થતા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ શ્રૃંખલા અંતર્ગત તા. ૦૨ અક્ટોબર ૨૦૨૬ના રોજ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજી સ્વામીની પાવન સ્મૃતિમાં ૩૫૧મા વિનામૂલ્યે મહા નેત્ર નિદાન યજ્ઞનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ નેત્રયજ્ઞનો પ્રારંભ સંસ્થાના વડા પરમ પૂજ્ય શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી સ્વામીના દિવ્ય આશીર્વાદ સાથે થયો હતો. કાર્યક્રમનું દીપપ્રાગટ્ય અમેરિકા (ડલાસ)ના મુખ્ય દાતાશ્રી શ્રીમતી ભારતીબેન મનુભાઈ કોરડીયા, વિરનગર હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરશ્રીઓ, ગુરુકુળ હોસ્પિટલના ડૉ. નિલેશભાઈ ત્રિવેદી તેમજ ઉપસ્થિત અન્ય મહાનુભાવોના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.
કેમ્પ દરમિયાન વિરનગર હોસ્પિટલના સુપર સ્પેશિયાલિસ્ટ નેત્રરોગ નિષ્ણાત ડોક્ટરો દ્વારા કુલ ૭૦ દર્દીઓની આંખોની સઘન તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ૨૨ દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂરિયાત જણાતા, તેઓને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા વિરનગર આંખની હોસ્પિટલ ખાતે સંપૂર્ણ વિનામૂલ્યે ઓપરેશન સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જરૂરિયાતમંદ દર્દીઓને સંસ્થા તરફથી વિનામૂલ્યે ચશ્મા તથા જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સંસ્થાના કોઠારી પૂજ્ય અક્ષરમુક્તદાસજી સ્વામીના કુશળ માર્ગદર્શન હેઠળ આયોજિત આ કેમ્પમાં ઉપસ્થિત તમામ દર્દીનારાયણો માટે ચા-નાસ્તા સાથે જલેબી, ફાફડા અને મરચા-સંભારા જેવા સ્વાદિષ્ટ ભોજન-પ્રસાદની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા છેલ્લા ઘણા વર્ષોથી આ નેત્રસેવા મહાયજ્ઞના માધ્યમથી હજારો જરૂરિયાતમંદ દર્દીઓને નવી દ્રષ્ટિ અને જીવનમાં નવી આશા આપી રહ્યું છે. કેમ્પને સફળ બનાવવા માટે સંસ્થાના સંતો, સેવાભાવી કર્મચારીઓ અને સ્વયંસેવકોએ ભારે જહમત ઉઠાવી હતી. સંસ્થાની આ નિઃસ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિ સમગ્ર સમાજ માટે પરોપકાર અને માનવસેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.

















Recent Comments