અમરેલી

અમરેલીમાં પોષણ ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ

 મહિલા અને બાળ વિકાસ વિભાગ, આઈ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત અમરેલી દ્વારા પોષણ ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ (શ્રી અન્ન)માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓની જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન અમરેલીના જેસિંગપરા સ્થિત અંબિકા ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું.

જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દક્ષાબહેન ડી. ચોડવડીયાના અધ્યક્ષસ્થાને અને ઉપપ્રમુખશ્રી મહાવીરબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેનશ્રી વિલાસબહેન જયંતિલાલ દેસાઈના દિશાનિર્દેશ હેઠળ કાર્યક્રમ યોજાયો હતો.

પોષણ ઉત્સવ અંતર્ગત યોજાયેલી આ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ટેક હોમ રાશન – માતૃશક્તિ, બાળશક્તિ અને પૂર્ણાશક્તિ તેમજ મિલેટ એટલે કે શ્રી અન્નમાંથી વિવિધ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. સ્પર્ધા દ્વારા સ્થાનિક અને પોષણક્ષમ ખાદ્ય સામગ્રીના ઉપયોગ, મિલેટ આધારિત આહાર તથા સંતુલિત પોષણ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

અમરેલી જિલ્લામાં તાલુકા કક્ષાએ વિજેતા થયેલા આંગણવાડીના વિવિધ ઘટકની બહેનો દ્વારા કેટલીક રસપ્રદ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. જેમાં કુંકાવાવ ઘટકની બહેનોએ બાળશક્તિના લોટમાંથી તૈયાર કરેલું બર્ગર, લાઠી ઘટક દ્વારા મિલેટમાંથી તૈયાર કરવામાં આવેલું મન્ચુરીયન, સાવરકુંડલા ઘટક-૧ દ્વારા પૂર્ણાશક્તિના બેટરમાંથી તૈયાર કરવામાં આવેલા રવાના ઢોસા સહિતની વાનગીઓએ આકર્ષણ જમાવ્યું હતું. અમરેલી જિલ્લાના વિવિધ ઘટકની બહેનોએ રાગીનો સૂપ, મિલેટની કેક, બાળશક્તિના બિસ્કિટ જેવી અનેકવિધ પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરી હતી.

કાર્યક્રમના પ્રારંભે આઈ.સી.ડી.એસ., અમરેલી જિલ્લાના પ્રોગ્રામ ઓફિસરશ્રી હીરાબહેન રાજશાખાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ આંગણવાડીના કર્મયોગીઓ અને બહેનોને પ્રેરણાબળ પૂરું પાડતાં તેમની કામગીરીને બિરદાવી હતી. આ વાનગી સ્પર્ધાના વિજેતા બહેનો રાજકોટ ખાતે યોજાનારી ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. ઝોન કક્ષાના વિજેતા બહેનો રાજ્યકક્ષાના પોષણ ઉત્સવમાં પ્રતિસ્પર્ધી તરીકે પ્રતિનિધિત્વ કરશે.

પોષણ ઉત્સવના માધ્યમથી ‘સહી પોષણ – દેશ રોશન’ના સંદેશને જન-જન સુધી પહોંચાડવા તથા પોષણ અંગે લોકજાગૃતિ વધારવાના હેતુથી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેનશ્રી અરજણભાઈ વાઘ, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેનશ્રી વિલાસબહેન દેસાઈ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી ડેનીભાઈ પરમાર, મહિલા અને બાળ વિકાસ સમિતિના સભ્યશ્રીઓ જાગૃતિબહેન લાલજીભાઈ વાણીયા, ભાનુબહેન વિક્રમભાઈ શિયાળ, નયનાબહેન મુકેશભાઈ આદ્રોજા, સોનલબહેન સંજયભાઈ તારપરા, પ્રકાશભાઈ, સભ્યશ્રી રંજનબહેન બાબરિયા, અગ્રણીશ્રી જયંતિભાઈ દેસાઈ, શ્રી નિકુલભાઈ માંડણકા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી ખુમાણ, શ્રી મધુભાઈ હરખાણી સહિતના અગ્રણીઓ તથા આંગણવાડીના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts