શ્રી મહિલા અધ્યાપન મંદિર સાવરકુંડલા ખાતે તારીખ ૦૫ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ નશાબંધી અને આબકારી વિભાગ, અમરેલી દ્વારા વિશેષ વ્યસન મુક્તિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં વ્યસનમુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાનો અને યુવા પેઢીને નશાથી દૂર રાખવાનો હતો.
આ પ્રસંગે નશાબંધી અને આબકારી વિભાગની S.O.G. ટીમના અધિકારીઓ એસ. પી. ચૌહાણ સાહેબ, એ. આર. ચૌહાણ સાહેબ તથા અવનીબેન દવે વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સાથે સમાજ સુરક્ષા વિભાગ-અમરેલી તરફથી મીનાક્ષીબેન રાઠોડ પણ હાજર રહ્યાં હતાં. શ્રી મહિલા મંડળના પ્રમુખશ્રી નીલાબેન વાઘાણી અને સભ્યશ્રી મનીષાબેનની પ્રેરણાદાયી ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભા વધારી હતી.
કાર્યક્રમ અંતર્ગત તાલીમાર્થી બહેનો માટે ગરબા અને ચિત્ર સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમાર્થી બહેનોએ ગરબાની પ્રસ્તુતિ અને વ્યસન મુક્તિના અર્થસભર ચિત્રો દ્વારા નશાબંધીનો સશક્ત સંદેશ વહેતો કર્યો હતો. બંને સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થનાર બહેનોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી, ઇનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન S.O.G. ટીમ દ્વારા વ્યસન મુક્તિ અંગેની જાગૃતિ લાવતી પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન (PPT) અને શોર્ટ વીડિયોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત તમામ લોકોએ જીવનભર વ્યસનમુક્ત રહેવાના શપથ લીધા હતા.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અધ્યાપન મંદિરના આચાર્ય શ્રી બાબુભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા માટે અધ્યાપન મંદિરના શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે શ્રી શૈલેષભાઈ ખિમસુરિયાએ ઉપસ્થિત તમામ મહાનુભાવો અને તાલીમાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

















Recent Comments