ગુજરાત

અમદાવાદના વાડજ વિસ્તારમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા ચકચાર મચી ગયો

ગ્રીષ્મા હત્યાકાંડને યાદ કરાવતી એક ઘટના શહેરના વાડજ વિસ્તારમાં બનતા ચકચાર મચી ગઇ છે. એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ગઇકાલે જાહેરમાં સગીરાના ગળા પર છરી ફેરવી દીધી હતી. સગીરાએ યુવક સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરતા આ હિંચકારી ઘટના બનવા પામી હતી. સ્થાનિકોની મદદના કારણે સગીરાને સમયસર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હત. જેના કારણે તેનો જીવ બચી ગયો છે. જાે સગીરાને સમયસર હોસ્પિટલમાં પહોચાડવામાં આવી ના હોત તો કદાચ અમદાવાદમાં પણ ગ્રીષ્માકાંડ થઇ ગયો હોત. પ્રેમમાં પાગલ યુવક છેલ્લા એક મહિનાથી સગીરાનો પીછો કરતો હતો. જુના વાડજ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષિય સીમા (નામ બદલ્યુ છે)એ વાડજ પોલીસ સ્ટેશનમાં ભરત બોડાણા (રહે બાબરની ચાલી, જુના વાડજ) વિરૂદ્ધ છેડતી તેમજ હત્યાની કોશિષની ફરિયાદ કરી છે. સીમા હાલ સિવિલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે. સીમા તેની માતા, ભાઇ અને મામા સાથે રહે છે અને ઘરકામ કરે છે. સીમાના પિતાજીનું એક વર્ષ પહેલા બીમારીના કારણે મૃત્યુ થયુ હતું. સીમા તેના પરિવાર સાથે ચાર વર્ષ પહેલા વાડજ સ્મશાન ગૃહ પાસે રહેતી હતી. ગઇકાલે રાતે સીમા મરચું અને શાકભાજી લેવા માટે ગઇ હતી. ત્યારે ભરત બોડાણા તેની પાછળ આવ્યો હતો અને તેના ગળા પર છરી ફેરવીને હત્યા કરવાની કોશિષ કરી હતી. સીમાના આક્ષેપ પ્રમાણે, ભરત બોડાણા છેલ્લા એક મહિનાથી તેનો પીછો કરતો હતો અને અવારનવાર તેની સાથે પ્રેમ સંબંધ રાખવાનું કહેતો હતો.

ગઇકાલે ભરત કિરાણાના સ્ટોર પાસે બેઠો હતો જ્યા સીમા મરચુ લેવા માટે ગઇ હતી જ્યા તેને રોકીને લગ્ન માટેની વાત કરતો હતો. સીમાએ જવાબ આપ્યા વગર ત્યાંથી નીકળી ગઇ હતી પરંતુ ભરત તેનો પીછો કરતો હતો. કિરાણા સ્ટોરથી થોડે દુર જઇને ભરતે સીમાને ઉભી રાખી હતી અને કહેવા લાગ્યો હતો કે, કેમ મારી સાથે લગ્ન કરવાની ના પાડે છે. સીમા કઇ બોલે તે પહેલા ભરતે તેની પાસે રહેલી છરી કાઢી હતી અને સીમાના ગાળા ભાગે ફેરવી દીધી હતી. લોહીથી લથબથ સીમા જમીન પર ઢળી પડી હતી. જ્યારે ભરત ત્યાંથી નાસી ગયો હતો. આસપાસના લોકોએ સીમાને તાત્કાલીક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. સિવિલ હોસ્પિટલમાં હાલ સીમાની હાલત નાજુક છે. વાડજ પોલીસે ભરત વિરૂદ્ધ હત્યાની કોશિષનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ભરતની ઉમર વધુ હોવાના કારણે સીમાના પરિવારજનોએ લગ્નની ના પાડી દીધી હતી. ભરત સીમાની બાજુમાં રહેવા માટે આવ્યો હતો ત્યારથી તેને પ્રેમ કરવા લાગ્યો હતો. સીમાને અનેક વખત પ્રેમસંબંધ રાખવા માટે પણ દબાણ કરતો હતો પરંતુ સીમાએ પ્રેમસંબંધ રાખવાની ના પાડી દીધી હતી. ભરતે હિંમત કરીને તેના પરિવાર પાસે પણ ગયો હતો અને લગ્ન કરવાનો પણ પ્રસ્તાવ મુક્યો હતો. સીમા કરતા ભરતની ઉમર વધુ હોવાથી પરિવારજનોએ લગ્ન કરાવવાની ના પાડી દીધી હતી. લગ્ન કરાવવાની પાડતા એક તરફી પ્રેમમાં પાગલ ભરતે સીમાના ગળા પર છરી હુલાવી દીધી હતી.

Related Posts