સાવરકુંડલા શહેરનું ગૌરવ અને માનવતાનું ધામ ગણાતા કબીર ટેકરી આશ્રમની યશગાથા હવે રૂપેરી પરદે કંડારાવા જઈ રહી છે. સંત કબીરજીના આદર્શો, વિચારો અને આશ્રમની અનેક સંઘર્ષગાથાઓને જન-જન સુધી પહોંચાડવાના પવિત્ર ઉદ્દેશ્ય સાથે એક વિશેષ ટેલીફિલ્મ/સિરીયલના નિર્માણનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ સંદર્ભે સાહિત્ય અને શિક્ષણ પ્રેમીઓ તેમજ કબીર ટેકરી સાહિત્ય વૃંદના માર્ગદર્શન હેઠળ આજરોજ સાવરકુંડલા સ્થિત ગાંધી ધર્મશાળા ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
ગાંધી ધર્મશાળા ખાતે મિટિંગનું આયોજન થતાં જ સંસ્થાના એ. ડી. રૂપારેલ સાહેબ દ્વારા અત્રે ઉપસ્થિત તમામ સાહિત્યપ્રેમીઓ અને મહાનુભાવોનું કાઠિયાવાડી પરંપરા અને પૂર્ણ ભાવ સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, હજુ બે દિવસ પહેલા જ કબીર ટેકરી આશ્રમની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અને ઇતિહાસને આવરી લેતા પુસ્તક **‘કબીર ટેકરી માનવતાની મહેક’**નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગંભીરતાપૂર્વક મનોમંથન કરવામાં આવ્યું હતું કે, વર્તમાન સમયમાં લોકોમાં પુસ્તક વાંચનની અભિરુચિ દિન-પ્રતિદિન ઘટતી જાય છે. આવા સમયે જો દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ (રૂપેરી પડદા) દ્વારા ટેલીફિલ્મ સ્વરૂપે કબીરજીના વિચારો રજૂ થાય તો તે વધુ અસરકારક રીતે સમાજના દરેક વર્ગ સુધી પહોંચી શકે. આ વિચારને સાકાર કરવા માટે આ ટેલીફિલ્મ નિર્માણનો દ્રઢ સંકલ્પ લેવામાં આવ્યો છે.
આ ભગીરથ કાર્યને મૂર્ત સ્વરૂપ આપવા માટે મુંબઈથી શેટે સાહેબ, ચારોડિયાથી નાનાલાલ ત્રિવેદી પરિવાર, દીપાલીબેન, સોઢા સાહેબ, સુધીરભાઈ મહેતા, મનીષભાઈ વિંઝુડા સહિતના અનેક સાહિત્યપ્રેમીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
આ ટેલિફિલ્મ કેટલા સમયમાં પૂર્ણ થશે, તેની મુખ્ય થીમ શું રહેશે કોણ અભિનય આપશે અને કયા-કયા પ્રેરણાદાયી પ્રસંગો આવરી લેવામાં આવશે તે તમામ બાબતો અંગે હાલ સસ્પેન્સ જાળવી રાખવામાં આવ્યું છે, જે ટેલીફિલ્મ રિલિઝ થતાં જ પ્રેક્ષકો સમક્ષ ખુલ્લું મુકાશે.


















Recent Comments