પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સાવરકુંડલા શહેરમાં નાગપંચમી, રાંધણ છઠ્ઠ અને શીતળા સાતમના લોકપર્વોની ધામધૂમથી અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ તહેવારો દરમિયાન સમગ્ર શહેર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું.
શ્રાવણ વદ છઠ્ઠ એટલે કે રાંધણ છઠ્ઠના દિવસે ગૃહિણીઓ દ્વારા ઘરમાં વિવિધ તળેલી વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. જેમાં રોટલી, પૂરી, શાક, ખીચડી, ભાત, દહીં, ઢેબરા, ફાફડા અને લાપસી સહિતના ભોજનનો સમાવેશ થાય છે. આ પર્વની પરંપરા મુજબ સાતમના દિવસે ચૂલો ન સળગાવવાનો હોવાથી આગલા દિવસે જ ભોજન તૈયાર કરી લેવામાં આવ્યું હતું.
શીતળા સાતમના દિવસે વહેલી સવારથી જ શ્રદ્ધાળુ મહિલાઓએ સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને માં શીતળાના મંદિરે દર્શનાર્થે ભીડ જમાવી હતી. માતાજીને કંકુ, ચોખા, ફૂલેર, નાળિયેર, દીવો અને રાંધણ છઠ્ઠના દિવસે ફણગાવેલા કઠોળ નૈવેધ ધરાવવામાં આવ્યો હતો. મહિલાઓએ માતાની આરતી કરી માતાજીના પરચાની વાર્તા વગેરે વિધિ કરી પોતાના સંતાનોના સારા સ્વાસ્થ્ય, પરિવારની સુખ-શાંતિ અને રોગ-બીમારીથી રક્ષણ મળે તેવી ભાવના સાથે પૂજન અને વ્રત કર્યું હતું.
આ પર્વ માત્ર ધાર્મિક મહત્વ જ નહીં, પરંતુ સ્વચ્છતા અને આરોગ્યનો પણ અનોખો સંદેશ આપે છે. ચોમાસાની ઋતુમાં રોગચાળો ન ફેલાય તે માટે ઘર, રસોડું, પીવાનું પાણી અને આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવાની ભાવના આ તહેવાર સાથે જોડાયેલી છે.
નાગપંચમીથી શરૂ થયેલી ઉજવણીનો શીતળા સાતમે અનોખો સંગમ જોવા મળ્યો હતો અને વડીલો દ્વારા નવી પેઢીને આ લોકસંસ્કૃતિ અને પરંપરાથી માહિતગાર કરવામાં આવ્યા હતા.


















Recent Comments