અમરેલી

સાવરકુંડલાની કાણકિયા કોલેજમાં વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી પુસ્તકોની સપ્રેમ ભેટ

તરસ જેની હતી વર્ષોથી, 

એ સરવાણી મળી ગઈ છે,

સફળતાની સફર માટે, 

નવી મંજીલ મળી ગઈ છે.

​પુસ્તક રૂપી દીવો પ્રગટાવીને 

પાંધીસરે સાચું કર્યું,

કે અંધારા ભવિષ્યને 

હવે રોશની મળી ગઈ છે.

–“પાંધી સર”

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી. ડી. કાણકિયા આર્ટસ અને એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે અભ્યાસ કરતા ટી. વાય. બી. એ. (અંગ્રેજી) ના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ પુસ્તક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી પરીક્ષાઓને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શકે તેવા ઉમદા હેતુથી આ પુસ્તકોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

​નૂતન કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકુંદભાઈ નાગ્રેચા અને કોલેજના પ્રિન્સિપાલ ડો. એસ. સી. રવિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં ‘આપણું કુંડલા’ પત્રકાર પાંધીસર ડિજિટલ ન્યૂઝના તંત્રી અને શહેરના વરિષ્ઠ પત્રકાર શ્રી બિપીનભાઈ પાંધી (પાંધી સર) ઉપસ્થિત રહ્યા હતા. તેમના ભાણેજ અને યુનિવર્સિટી ગોલ્ડ મેડલિસ્ટ શ્રી તન્વીબેન પૂજારા દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલા અંગ્રેજી વિષયના પરીક્ષાલક્ષી પુસ્તકો વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવ્યા હતા. આ પુસ્તકો વિદ્યાર્થીઓને વિષયની ઊંડી સમજ અને પરીક્ષાની તૈયારીમાં આશીર્વાદરૂપ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

​આ પ્રસંગે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ હિરાણી, વાઇસ પ્રિન્સિપાલ પ્રો. રીંકુબેન ચૌધરી, અંગ્રેજી વિભાગના અધ્યક્ષ પ્રો. ડો. દિલીપભાઈ ભટ્ટ, કોમર્સ વિભાગના પ્રો. ડો. હરેશ દેસરાણી તેમજ પ્રો. ડો. કલ્પેશભાઈ રાડિયા વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

​સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને સંકલન અંગ્રેજી વિભાગના પ્રો. ડો. હાર્દિકભાઈ ઉદેશી દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ મિત્રોએ આ આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

Related Posts