અમરેલી

સાવરકુંડલાની શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં ૩૯મો વાર્ષિકોત્સવ અને વિદાય સમારંભ સંપન્ન

​નવા આકાશ આંબવા હવે                               પાંખો ફેલાવો તમે,

જગત આખામાં સફળતાની                   

 મહેક ફેલાવો તમે.

​વિદાયની આ પળો ભલે 

આંખો ભીની કરી જાય,

સ્મરણોના દીવડા દિલમાં 

કાયમ પ્રગટાવો તમે.

–“પાંધી સર”

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ ખાતે પ્રિન્સિપાલ શ્રી ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ ૩૯મો વાર્ષિકોત્સવ અને વિદાય સમારંભ ખૂબ જ ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાયો હતો. આ પ્રસંગે કોલેજના ભૂતપૂર્વ પ્રાધ્યાપિકા શ્રીમતી છાયાબેન શાહ અધ્યક્ષ પદે ઉપસ્થિત રહ્યા હતા.

અધ્યક્ષ સ્થાનેથી બોલતા શ્રીમતી છાયાબેન શાહએ વિદ્યાર્થીનીઓને જીવનમાં ઉતરોતર પ્રગતિ કરવા અને સફળતાના ઉચ્ચ શિખરો સર કરવા આશીર્વાદ પાઠવ્યા હતા. પ્રિન્સિપાલ શ્રી ચાવડા સાહેબે પણ વિદ્યાર્થીનીઓને એક જવાબદાર નાગરિક બની રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપવા અને ઉજ્જવળ કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.

વર્ષ દરમિયાન શૈક્ષણિક, સાહિત્યિક, સાંસ્કૃતિક અને રમત-ગમત ક્ષેત્રે વિશેષ સિદ્ધિ મેળવનાર દીકરીઓને શીલ્ડ અને પ્રમાણપત્ર આપી નવાજવામાં આવી હતી. વિદાય લેતી વિદ્યાર્થીનીઓએ ભાવુક હૃદયે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. પ્રા.ડૉ. રૂકસાના કુરેશીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓએ મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઉદઘોષક આરતી ચુડાસમા અને મનીષા સાગઠીયાએ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રા.ડૉ. હરિતા જોશી, પ્રા.ડૉ. કે.પી. વાળા તથા સમગ્ર સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં પ્રા.ડૉ. પ્રતિમા શુક્લએ આભાર દર્શન કર્યું હતું.

Related Posts