અમરેલી

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬ : ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ

અમરેલી જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૨૬માં અંદાજે ૫૨.૯૯ ટકા મતદાન નોંધાયુ

અમરેલીબાબરાસાવરકુંડલાધારીબગસરાદામનગર એમ કુલ ૬ નગરપાલિકાની ચૂંટણીમાં કુલ ૪૫ વોર્ડ અને ૧૭૪ બેઠકો પર અંદાજે ૫૭.૯૧ ટકા મતદાન નોંધાયુ

જિલ્લાની કુલ ૧૧ તાલુકા પંચાયત ચૂંટણીમાં ૧૮૬ બેઠકો પર અંદાજે ૫૨.૮૯ ટકા મતદાન નોંધાયુ

અમરેલી તા. ૨૬ એપ્રિલ,૨૦૨૬ (રવિવાર) – ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬ અન્વયે આજરોજ અમરેલી જિલ્લામાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું. ચૂંટણી સાથે સંકળાયેલ તમામ સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. અનેક મતદાન મથકો ખાતે વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો મતદાન મથક સુધી સરળતાથી પહોંચીને પોતાનો કિંમતી મત આપી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા તમામ પ્રકારની મદદ પહોંચાડવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં જિલ્લા પંચાયત અને કુલ ૦૬ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા કુલ ૧૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી પ્રક્રિયા હેઠળ આજરોજ સવારના ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન યોજાયું હતું.

જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૨૬માં અંદાજે ૫૨.૯૯ ટકા મતદાન નોંધાયુ હતું. જ્યારે અમરેલી, બાબરા, સાવરકુંડલા, ધારી, બગસરા, દામનગર સહિત કુલ ૦૬ નગરપાલિકાની ચૂંટણીમાં કુલ ૪૫ વોર્ડ અને ૧૭૪ બેઠકો પર અંદાજે ૫૭.૯૧ ટકા મતદાન નોંધાયું હતું. સાથે જિલ્લાની કુલ ૧૧ તાલુકા પંચાયત ચૂંટણીમાં ૧૮૬ બેઠકો પર અંદાજે ૫૨.૮૯ ટકા મતદાન નોંધાયુ હતું.

ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયત ચૂંટણી અન્વયે કુલ ૮,૬૪,૮૮૦ મતદારો નોંધાયેલ છે. જેમાં ૪,૫૫,૪૫૦ પુરુષ મતદારો અને ૪,૦૯,૪૨૯ સ્ત્રી અને ૦૧ અન્ય મતદારો નોંધાયેલ છે. આજરોજ યોજાયેલ મતદાન અન્વયે અંદાજે કુલ ૪,૫૮,૩૦૧ મતદારોએ મતદાન કર્યું હતુ જેમાં ૨,૫૭,૧૯૧ પુરુષ મતદારો અને ૨,૦૧,૧૧૦ સ્ત્રી મતદારોએ મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો.

જ્યારે કુલ ૦૬ નગરપાલિકાની વાત કરીએ તો (૧) અમરેલી નગરપાલિકામાં ૭૯,૪૩૯ (૨) બાબરા નગરપાલિકામાં ૧૪,૭૪૯ (૩) સાવરકુંડલા નગરપાલિકામાં ૫૬,૧૮૪ (૪) ધારી નગરપાલિકામાં ૨૦,૨૭૬ (૫) બગસરા નગરપાલિકામાં ૨૫,૪૮૫ (૬) દામનગર નગરપાલિકામાં ૧૧,૭૪૮ એમ કુલ મળીને ૬ નગરપાલિકામાં ૨,૦૭,૮૮૧ મતદારો નોંધાયેલ છે. જેમાં કુલ ૬ નગરપાલિકામાં ૧,૦૮,૬૯૮ પુરુષ જ્યારે ૯૯,૧૬૩ સ્ત્રી અને ૨૦ અન્ય મતદારો સમાવિષ્ટ છે. ઉલ્લેખનીય છે કે, આજરોજ મતદાન અન્વયે કુલ ૬ નગરપાલિકામાં અંદાજે કુલ ૬૬,૮૦૮ પુરુષ મતદારો, ૫૩,૫૬૪ સ્ત્રી મતદારો તથા અન્ય ૧૧ મતદારોએ મતદાન કર્યું હતું.

જ્યારે કુલ ૧૧ તાલુકા પંચાયતોમાં ૧૮૬ બેઠકો પર કુલ મળીને ૮,૪૮,૬૧૨ મતદારો નોંધાયેલા છે. જેમાં ૪,૪૭,૦૦૩ પુરુષ અને ૪,૦૧,૬૦૮ સ્ત્રી અને અન્ય ૧ મતદારો સમાવિષ્ટ છે. આજરોજ યોજાયેલ મતદાન અન્વયે કુલ ૧૧ તાલુકા પંચાયતોમાં અંદાજે ૨,૫૨,૧૨૮ પુરુષ મતદાતા અને ૧,૯૬,૬૬૭ સ્ત્રી મતદાતાઓએ મતદાન કર્યું હતુ. આમ કુલ મળીને ૪,૪૮,૭૯૫ મતદાતાઓ મતદાન કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬  જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ સુદ્રઢ વ્યવસ્થાપન અને પોલીસ બંદોબસ્ત સાથે યોજાઈ હતી અને મતદાન સુધીની પ્રક્રિયાઓ સંપન્ન થઈ હતી

Related Posts