અમરેલી

સાવરકુંડલામાં પુરુષોત્તમ માસની ધૂમ: મહિલાઓએ જીવંત રાખી ‘આબુંડું જાંબુડું કાંઠા ગોર’ની પરંપરા..

​મૂકીને વાતો અલકમલકની,                          પ્રભુના નામમાં ખોવાઈ છે,

જુઓ સાવરકુંડલાની નારી,                      હરિના રંગમાં રંગાઈ છે.

​હટાવી મનથી નકારાત્મકતા,                સકારાત્મક ભક્તિ જગાડવા,

આ ‘આબુંડું જાંબુડું કાંઠા ગોર’ની 

પરંપરા ફરી જીવાઈ છે.

–“પાંધી સર”

ભારતીય સંસ્કૃતિ હંમેશાંથી માનવ જીવનમાંથી નકારાત્મક વિચારોને દૂર કરી સકારાત્મક ઉર્જાનો સંચાર કરવા માટે જાણીતી છે. આ જ સંસ્કૃતિ અને પરંપરાનો એક અનોખો નજારો દર ત્રણ વર્ષે આવતા પવિત્ર પુરુષોત્તમ માસ (અધિક માસ) દરમિયાન સાવરકુંડલા શહેરમાં જોવા મળી રહ્યો છે. અહીંની ધર્મપ્રેમી મહિલાઓએ વર્ષો જૂની પરંપરાગત એવી ‘આબુ જાંબુડું કાંઠા ગોર’ની પૂજા-અર્ચનાને આજે પણ પૂરા ઉત્સાહથી જાળવી રાખી છે.

​સામાન્ય રીતે જ્યારે મહિલાઓ એકત્રિત થાય ત્યારે સંસારની અને અલકમલકની વાતો સહજ બનતી હોય છે, પરંતુ પુરુષોત્તમ માસના આ પવિત્ર દિવસોમાં સાવરકુંડલાનું ચિત્ર સાવ બદલાયું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં મહિલાઓ સવાર-સાંજ મોટી સંખ્યામાં એકઠી થઈને લૌકિક વાતો બાજુ પર મૂકી, સંપૂર્ણપણે હરિ સ્મરણ અને ભક્તિના રંગે રંગાઈ છે.

​શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર, પુરુષોત્તમ માસ દરમિયાન કરવામાં આવતું હરિ સ્મરણ, પૂજા અને દાન અનેકગણું પુણ્ય ફળદાયી નીવડે છે. આ પવિત્ર સમયગાળાનો લાભ લેવા સાવરકુંડલાની નારી શક્તિ એકત્રિત થઈને પરંપરાગત પૂજા-અર્ચના દ્વારા સમગ્ર વાતાવરણને ભક્તિમય અને સકારાત્મક બનાવી રહી છે. આ ભક્તિભાવ જોઈને નવી પેઢીને પણ આપણી ભવ્ય સંસ્કૃતિના દર્શન થઈ રહ્યા છે.

Related Posts