અમરેલી

સમાજને નવી દિશા આપતું અનોખું પગલું: સાવરકુંડલામાં નિર્માણ પામ્યું પૂજનીય ‘માતા-પિતાનું મંદિર’

​વૃદ્ધાશ્રમોની ભીડમાં જે રાહ                       બતાવે, એવું આ ધામ છે,

પથ્થરમાં પણ મા-બાપના દર્શન                     કરાવે, એવું આ ધામ છે.

​ત્યાગી દીધા જેણે જગતમાં                        જન્મ આપનારા દેવોને,

એવા હૃદયોમાં ફરી સંસ્કાર                     જગાડે, એવું આ ધામ છે.

–“પાંધી સર”

​ આજના આધુનિક અને પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રવાહમાં જ્યાં સંયુક્ત કુટુંબની ભાવના વિલુપ્ત થઈ રહી છે અને વૃદ્ધાશ્રમોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે, ત્યારે સાવરકુંડલાના હાથસણી રોડ પર ભારતીય સંસ્કૃતિનું જતન કરતું એક અદભુત અને અનોખું કાર્ય થયું છે. અહીંના વેગડા પરિવારે સમાજને એક નવી જ દિશા ચિંધીને પોતાના માતા-પિતાના મંદિરનું નિર્માણ કર્યું છે.

​સમગ્ર વિસ્તાર જ નહી પરંતુ સમગ્ર ભારત વર્ષમાં આવું મંદિર ક્યાંય જોવા મળતું નથી. સાવરકુંડલા શહેરના હાથસણી રોડ પર આવેલા શ્રી રામદેવપીર મંદિરના સ્થાપક શ્રી વિશ્રામબાપુ અને શ્રી દેવુમાની સ્મૃતિમાં વેગડા પરિવારે આ મંદિર બનાવી તેમની મૂર્તિ પ્રતિષ્ઠા કરી છે. અહીં દરરોજ વિધિવત રીતે સેવા-પૂજા કરવામાં આવે છે. વર્તમાન સમયમાં જ્યારે કેટલાય સંતાનો માતા-પિતાને તરછોડી દે છે, ત્યારે વેગડા પરિવારનું આ કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ અને દીવાદાંડી સમાન સાબિત થયું છે.

​પરંપરાગત સેવા અને ભક્તિનો ત્રિવેણી સંગમ. આ મંદિરમાં માત્ર દર્શન જ નહીં, પરંતુ સેવાકીય પરંપરાઓ પણ ધમધમી રહી છે. સેવા અને પૂજાના ભાગરૂપે પૂજ્ય શ્રી વિશ્રામબાપુ અને દેવુમાની જગ્યા પર દરરોજ થાળ-પ્રસાદ ધરાવાય છે. આ ઉપરાંત, દર શનિવારે સંતવાણીની ભવ્ય પરંપરા શરૂ કરવામાં આવી છે, જેણે વેગડા પરિવાર અને સમગ્ર સમાજમાં ભક્તિનો એક નવો જ માહોલ ઊભો કર્યો છે. અખંડ જ્યોત પ્રગટાવીને આ પવિત્ર કાર્યને આગળ ધપાવવામાં આવી રહ્યું છે. હાલના સમયમાં મહંત શ્રી અરવિંદબાપુ અને શ્રી રસિકબાપુ  આ ભક્તિમય રાહ પર ચાલીને સમગ્ર સમાજને સંસ્કારોની એક નવી દિશા આપી રહ્યા છે. અને અરવિંદબાપુ અને રસિકબાપુની વાત કરીએ તો તેનામાં ભક્તિ પરંપરા સાત પેઢીથી ચાલી આવે છે અને આ પરિવાર હજુ પણ તેને શતપ્રતિશત અનુસરી રહ્યો છે. અને ખાસ જણાવવાનું કે જ્યાં આ માબાપનું મંદિર જે ત્યાંજ તેઓની સમાધિ છે. વિનિષ્ટ થતી ભારતીય સંસ્કૃતિ અને કૌટુંબિક ભાવનાને બચાવવા માટે આ મંદિર ખરેખર એક વખત દર્શન કરવા જેવું પ્રેરણાતીર્થ બન્યું છે.

Related Posts