અમરેલી

વૈશ્વિક તણાવની સીધી અસર સાવરકુંડલાના આંગણે: પાંચ  જ દિવસમાં પેટ્રોલ-ડીઝલમાં બીજો  ભાવવધારો ઝીંકાયો

વૈશ્વિક લડાઈની અસર 

સરહદ વટાવી ગઈ,

મોંઘા ડીઝલની આંચ આમ                             સાવરકુંડલા સુધી આવી ગઈ.

​આભમાં વાદળ અને હૈયામાં                      ચિંતાની લાઈનો છે,

ચોમાસું બેસે તે પહેલાં જ 

ખેડૂતની કસોટી આવી ગઈ.

–“પાંધી સર”

​આજના સમયમાં મિડલ ક્લાસ પરિવાર સવારે ઉઠે ત્યારે જે સમાચાર તેના આખા મહિનાનું બજેટ હલાવી નાખે છે, તે છે ઈંધણના વધતા ભાવ. સરકારે માત્ર પાંચ જ દિવસના ટૂંકા ગાળામાં જનતાને બીજો મોટો આંચકો આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો ઝીંકી દીધો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને અમેરિકા-ઈરાન યુદ્ધની વૈશ્વિક ઉથલપાથલના દૂરગામી માઠા પરિણામો હવે હજારો કિલોમીટર દૂર ગુજરાતના સાવરકુંડલા શહેરના સામાન્ય નાગરિકો અને ખેડૂતોએ ભોગવવાનો વારો આવ્યો છે.

​ઓઈલ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલ અને ડીઝલમાં આશરે ૯૦ પૈસા સુધીનો નવો વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હજુ ગત શુક્રવારે જ દેશભરમાં લિટર દીઠ ૩ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો હતો, ત્યાં આ બીજા ફટકાથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે.

​આ આકરા ભાવવધારા અને મર્યાદિત પુરવઠા વચ્ચે પણ સાવરકુંડલા શહેરમાં પેટ્રોલ-ડીઝલ લેવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. હાલ ચોમાસું એકદમ ઢૂકડું છે, જેથી ખેડૂત વર્ગ પોતાના ખેતરોમાં પ્રિ-મોન્સૂન કામગીરીમાં જોતરાયો છે. ટ્રેક્ટર અને રોટાવેટર જેવા કૃષિ વાહનો દ્વારા ચોમાસા પહેલાના કાર્યો સમયસર પતાવવા માટે ડીઝલનો પર્યાપ્ત પુરવઠો ખૂબ જ આવશ્યક છે.

​સાવરકુંડલાના ગણ્યા-ગાંઠ્યા પેટ્રોલ પંપો પર જ હાલ વેચાણ ચાલુ જોવા મળ્યું હતું, જેના કારણે ત્યાં વહેલી સવારથી જ ટ્રેક્ટરોની લાંબીલચ લાઈનો દ્રશ્યમાન થઈ હતી. મોંઘા ભાવે પણ ખેતી બચાવવા માટે ખેડૂતો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. આ આખી સ્થિતિ દર્શાવે છે કે વૈશ્વિક બજારની હલચલ સીધી રીતે ભારતીય ખેતી અને સામાન્ય માણસના ખિસ્સાને કેવી રીતે પ્રભાવિત કરે છે.

Related Posts