ગુજરાતને ૨૦૪૭ સુધી USD ૩.૫ ટ્રિલિયન અર્થતંત્ર બનાવવા માટેની યાત્રાને ઝડપી બનાવવા માટેના એક નિર્ણાયક પગલા તરીકે, આજે ગુજરાત ઔદ્યોગિક નીતિ ૨૦૨૬ જાહેર કરવામાં આવી છે,
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં આ ઔદ્યોગિક નીતિ 2026ની મહત્વપૂર્ણ જાહેરાત ગાંધીનગરના મહાત્મા મંદીર ખાતેથી કરવામાં આવી હતી. માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ઉદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામ ગામીત, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ટી નટરાજન સહિત અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ, ઉદ્યોગ વેપાર જગતના અગ્રણીઓ અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી મમતા વર્મા તથા મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર સહિત વરિષ્ઠ અધિકારીઓ આ પોલિસીની જાહેરાત અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ નવી ઔદ્યોગિક નીતિને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરનાર સર્વગ્રાહી વિકાસ દસ્તાવેજ ગણાવી હતી.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લિડરશીપમાં ગુજરાતે પોલિસી ડ્રિવન સ્ટેટની ઓળખ પ્રસ્તાપિત કરી છે એટલું જ નહિ, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાઓને પગલે ગુજરાત વિશ્વ ભરના રોકાણકારો માટે બેસ્ટ ચોઈસ ઓફ ઈન્વેસ્ટમેન્ટ અને દેશના વિકાસનું ગ્રોથ એન્જીન બન્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ ગ્રીન અને સસ્ટેનેબલ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટને આ નીતિનું સૌથી મહત્વપૂર્ણ પાસું ગણાવ્યું હતું. તેમણે ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026માં ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, વેસ્ટ વોટર રિસાયક્લિંગ, ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ, ક્લીનર પ્રોડક્શન ટેક્નોલોજી અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન આપ્યું છે તેની વિગતો પણ આપી હતી.
ગુજરાતની આ નવી ઔદ્યોગિક નીતિ 2026 જે ચાર મજબૂત આધારસ્તંભો પર ઉભી છે તે ઈન્વેસ્ટમેન્ટ અને ઉત્પાદન, ઈનોવેશન અને રિસર્ચ, સ્કિલ એન્ડ એમ્પ્લોયમેન્ટ, સસ્ટેનેબિલિટી એન્ડ ઇન્ક્લુસિવ ડેવલપમેન્ટની પણ તેમણે ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વિશ્વની ઝડપથી બદલાતી જતી અર્થવ્યવસ્થા, ટેક્નોલોજી, આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સ, ગ્રીન એનર્જી અને ગ્લોબલ સપ્લાય ચેઈનની નવી રચના ઉદ્યોગોના સ્વરૂપને બદલી રહી છે ત્યારે ગુજરાતની આ નવી ઔદ્યોગિક નીતિ ભવિષ્યના ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને તેમના અભિપ્રાયો અને માંગણીઓ સંકલિત કરીને તૈયાર કરવામાં આવી છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું કે, આ ઔદ્યોગિક નીતિમાં MSME, સ્ટાર્ટઅપ, મહિલા ઉદ્યોગ સાહસિકો, પ્રથમ પેઢીના ઉદ્યોગકારો અને યુવાશક્તિને વિકાસના કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ભવિષ્ય માટેનો માર્ગદર્શક દસ્તાવેજ એવી નવી ઔદ્યોગિક નીતિ માત્ર પ્રોત્સાહનો આપતી યોજના નથી, પરંતુ વર્ષ ૨૦૪૭ના વિકસિત ગુજરાતના વિઝનને સાકાર કરવાનું એક શક્તિશાળી માધ્યમ છે. આ નવી ઔદ્યોગિક નીતિથી વિવિધ ક્ષેત્રોમાં ૧૫ થી ૪૫ ટકા સુધીના વિવિધ ઇન્સેન્ટિવદ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવશે, જેથી નવા રોકાણો આકર્ષાય, રોજગારીનું સર્જન થાય અને રાજ્યના યુવાનોને પોતાના વતનમાં જ ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની તક મળે. આ નીતિ દ્વારા સરકાર અને ઉદ્યોગજગત મળીને વિકાસનું એક મજબૂત ઇકોસિસ્ટમ ઉભું કરશે.
નાયબ મુખ્યમંત્રી શ્રી સંઘવીએ કહ્યું કે, માત્ર ૫ ટકા જમીન અને ૬ ટકા વસ્તી ધરાવતું ગુજરાત આજે દેશના ઉત્પાદન ક્ષેત્રમાં અગ્રેસર છે. દેશના કુલ ઉત્પાદનનો ૧૮ ટકાથી વધુ હિસ્સો, ૪૦ ટકા કાર્ગો હેન્ડલિંગ અને લગભગ ૩૩ ટકા સરેરાશ નિકાસ ગુજરાતમાંથી થાય છે. દેશની સૌથી વધુ MSME એકમો ધરાવતું ગુજરાત આજે રોકાણ, ઉદ્યોગ-સાહસ અને વિકાસનું સૌથી વિશ્વસનીય કેન્દ્ર બની ચૂક્યું છે. આ સફળતા પાછળ ગુજરાતના ઉદ્યોગસાહસિકો અને રાજ્ય સરકારની વિકાસલક્ષી નીતિઓનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે.
તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના યુવાનો, મહિલાઓ, ખેડૂતો સહિત દરેક નાગરિકના હિતને કેન્દ્રસ્થાને રાખીને સતત વિકાસ કર્યો કરી રહ્યા છે. તેમણે સમસ્યાઓ પર માત્ર ચર્ચા નહીં, પરંતુ તેના અસરકારક ઉકેલ માટે નિર્ણાયક પગલાં લીધાં છે. એક સાચા વાલી તરીકે તેમણે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે દૃઢ નેતૃત્વ પૂરું પાડ્યું છે, જેના માટે સમગ્ર રાજ્ય તેમની પ્રત્યે આભાર વ્યક્ત કરે છે.
સંશોધન, નવીનતા અને સનરાઇઝિંગ સેક્ટર્સ પર વિશેષ ભાર મૂકતા શ્રી સંઘવીએ ઉમેર્યું હતું કે, ગુજરાતે દેશના અન્ય રાજ્યો કરતાં વધુ પ્રાધાન્ય સંશોધન અને વિકાસ પર આપ્યું છે. કેટલાક ક્ષેત્રોમાં ૫૦ ટકા સુધીના ઇન્સેન્ટિવ આપીને યુવાનોમાં નવીનતા અને સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવશે. ગ્રીન એનર્જી, ડ્રોન મેન્યુફેક્ચરિંગ, રોબોટિક્સ, ફૂટવેર અને ટોય મેન્યુફેક્ચરિંગ જેવા સનરાઇઝિંગ સેક્ટર્સમાં ગુજરાતને વૈશ્વિક નેતૃત્વ અપાવવાનો આ નીતિનો મુખ્ય ઉદ્દેશ છે. ભવિષ્યની ટેક્નોલોજી અને નવી તકોમાં ગુજરાત દેશનું નેતૃત્વ કરે તે માટે આ દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે.
સરકારે ઉદ્યોગોને મળતા પ્રોત્સાહનો વધુ ઝડપથી અને પારદર્શક રીતે પહોંચે તે માટે પ્રક્રિયાઓને સરળ બનાવી છે. બિનજરૂરી કાગળકાર્ય ઘટાડીને, મંજૂરીઓને ઝડપી બનાવીને અને ટેક્નોલોજી આધારિત વ્યવસ્થાઓ ઉભી કરીને નાના અને મોટા તમામ રોકાણકારોને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. ગિફ્ટ સિટી, ધોલેરા, ડેટા સેન્ટર્સ અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ જેવા ક્ષેત્રોની મદદથી ગુજરાતને દેશનું નંબર ૧ રાજ્ય બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. સરકાર અને ઉદ્યોગજગતના સંયુક્ત પ્રયાસોથી ગુજરાત વિકાસ, રોકાણ અને રોજગારીના નવા શિખરો સર કરશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસે ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-૨૦૨૬’ ના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, આ નવી નીતિ અત્યંત સર્વગ્રાહી અને પ્રોત્સાહક છે, જેમાં સેમિકન્ડક્ટર જેવા ઉભરતા ક્ષેત્રો, MSME એકમો, પછાત વિસ્તારોનો વિકાસ, સંશોધન અને વિકાસ તથા મહિલા સશક્તિકરણ માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. વિશ્વની સૌથી ઝડપથી વિકસી રહેલી ભારતની અર્થવ્યવસ્થામાં ગુજરાત ‘ગ્રોથ એન્જિન’ તરીકે અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. દેશના GDPમાં ગુજરાતનો ફાળો ૨૦ વર્ષ પહેલાં ૬.૨% હતો, જે આજે વધીને ૮.૨% થયો છે અને વર્ષ ૨૦૪૭ સુધીમાં તેને ૧૦% સુધી લઈ જવાનો રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર છે. આ ઉપરાંત ભારતના કુલ મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં ૧૮% અને નિકાસમાં ૨૫% હિસ્સો ધરાવે છે. લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડીને ‘સ્પીડ ઓફ ડુઈંગ બિઝનેસ’ વધારવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ગુજરાત ૨૦૪૭ના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે.
ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુશ્રી મમતા વર્મા (IAS)એ ઔદ્યોગિક નીતિ અંગેનું વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
આ નવી ઔદ્યોગિક નીતિ ભવિષ્યમુખી અને પરિવર્તનાત્મક નીતિ માળખું છે, તેનો હેતુ રાજ્યને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ઇનોવેશન અને સસ્ટેઇનેબલ ગ્રોથ માટે વૈશ્વિક શક્તિ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણ અને વારસાને આગળ વધારતા, આ નીતિ ગુજરાતની એ મહત્ત્વાકાંક્ષા દર્શાવે છે કે તે ભારતના આગામી ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સફોર્મેશન તબક્કાનું નેતૃત્વ કરે, જેમાં વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઉદ્યોગોને પ્રોત્સાહન, ઉચ્ચ મૂલ્યના રોકાણોને પ્રોત્સાહન અને મોટા પાયે ગુણવત્તાસભર રોજગાર સર્જવાની વ્યવસ્થા સામેલ છે.
વિકસિત ગુજરાતથી વિકાસિત ભારત @૨૦૪૭ના હેતુથી પ્રેરિત, ગુજરાત ઔદ્યોગિક નીતિ ૨૦૨૬માં અનેક નવીન પહેલો અને ઉદ્યોગમૈત્રી પ્રોત્સાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે રાજ્યના વિકાસ અને વૃદ્ધિને વધુ વેગ આપે તેવા છે। આ નીતિ “લિવિંગ વેલ” અને “અર્નિંગ વેલ” ના વિઝન પર આધારિત છે, જેનો હેતુ ઉદ્યોગોને સશક્ત બનાવવાનો તેમજ યુવાનો માટે ગુણવત્તાસભર રોજગાર તકો ઊભી કરવાનો છે। “આત્મનિર્ભર ભારત”નું વિઝન પણ આ નીતિને માર્ગદર્શન આપે છે, જેથી દેશની સ્થાનિક ક્ષમતાઓ મજબૂત બને અને આયાત પરનો આધાર ઘટાડવામાં મદદ મળે.
આ નીતિ ઇનોવેશન, વેલ્યુ એડિશન , રોજગાર સર્જન અને ટકાઉ વિકાસને પ્રાથમિકતા આપે છે। આ નીતિ દ્વારા ગુજરાત સરકાર ભવિષ્ય માટે સજ્જ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા, ઔદ્યોગિક સ્પર્ધાત્મકતામાં વધારો કરવા અને સર્વસમાવેશક આર્થિક વિકાસને આગળ ધપાવવાની પોતાની પ્રતિબદ્ધતા પુનઃ દ્રઢ કરે છે। સાથે સાથે, વિવિધ ક્ષેત્રોની મજબૂતીઓનો અસરકારક ઉપયોગ કરીને હાલની ઔદ્યોગિક વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો અને હાલના તથા નવા બંને પ્રકારના રોકાણકારો માટે વ્યવસાય કરવાનું વધુ સરળ બનાવવાનો પણ આ નીતિનો હેતુ છે। ગુજરાત ઔદ્યોગિક નીતિ ૨૦૨૬ તૈયાર કરતી વખતે ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ, MSMEs અને શૈક્ષણિક સંસ્થાઓ સહિત તમામ મહત્વપૂર્ણ હિતધારકો સાથે વ્યાપક પરામર્શ કરવામાં આવ્યો છે.

















Recent Comments