અમરેલી જિલ્લામાં બાળ શ્રમયોગી પ્રથા નાબૂદી માટે જિલ્લા ટાસ્કફોર્સ સમિતિ દ્વારા બાળમજૂરી વિરોધી ઝુંબેશ અંતર્ગત તા. ૧૫ જૂન, ૨૦૨૬ના રોજ અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં જિલ્લા ટાસ્કફોર્મ સમિતિ સાથે વિશેષ રેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસની ઉજવણીના ભાગરૂપે હાથ ધરવામાં આવી હતી.
મદદનીશ શ્રમ આયુક્તશ્રીની કચેરી, અમરેલીના સંકલનમાં યોજાયેલી આ રેડમાં સરકારશ્રીના વિવિધ વિભાગોના અધિકારીઓ અને પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ટીમ દ્વારા અમરેલી શહેરમાં વિવિધ સંસ્થાઓ અને વ્યવસાયિક એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યવાહીમાં સરકારી શ્રમ અધિકારીશ્રી, અમરેલી એમ.એચ.પરમાર, ડિસ્ટ્રીક્ટ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના સુ.શ્રી એન.એ.કુંડળીયા, જિલ્લા શોપ ઇન્સપેક્ટરશ્રી કે.એન.કાબરીયા, નગરપાલિકા અમરેલી, જિલ્લા શિક્ષણાધિકારશ્રીની કચેરીમાંથી એન.એમ.વરૂ, બાળ સુરક્ષા એકમ અમરેલી ખાતેથી સુ.શ્રી એમ,પી.રાઠોડની ટીમની સંયુક્ત કાર્યવાહીમાં ૧૨ જૂને વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ અંતર્ગત કાર્યવાહી કરી હતી.
તપાસ દરમિયાન લાઠી રોડ સ્થિત હોટલ રસથાળ ખાતે કુલ ૬ તરુણ શ્રમયોગીઓ કાયદેસર રીતે કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, બાળ અને તરુણ મજૂર (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, ૧૯૮૬ની જોગવાઈઓના ભંગ અંગે સંસ્થા સામે નોટિસ પાઠવવામાં આવી છે તેમજ કાયદાકીય જોગવાઈઓ અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જિલ્લા ટાસ્કફોર્સ સમિતિ દ્વારા બાળમજૂરી જેવી સામાજિક કુપ્રથાને નાબૂદ કરવા માટે સતત દેખરેખ અને સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમ મદદનીશ શ્રમઆયુક્તશ્રી એમ.એચ.પરમાર અને સભ્ય સચિવશ્રી જિલ્લા ટાસ્કફોર્સ સમિતિ અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.















Recent Comments