સમગ્ર રાજ્યમાં ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬-૨૭’ની ૨૪મી કડીના ત્રીજા દિવસે
પ્રગતિના પંથે આગળ વધતા, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર શહેરની ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
પ્રાથમિક શાળા, જગદીશ્વરાનંદ નારી કુમાર અને કન્યા શાળા તેમજ એ.કે. મોરડીયા હાઇસ્કુલના બાલવાટિકા,
આંગણવાડી, ધોરણ-૧ના બાળકોને પ્રવેશ તેમજ ડ્રોપ આઉટ થયેલા ધોરણ ૯ અને ૧૧ના બાળકોને કુમકુમ તિલક
અને ઉત્સાહભેર પુનઃપ્રવેશ કરાવી નામાંકન કરાવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ આંગણવાડીના નાના ભૂલકાઓને
કુમકુમ પગલાં કરાવીને શાસ્ત્રોક્ત અને મંગલમય વાતાવરણમાં પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે પ્રેરક સંબોધન કરતાં મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, “તત્કાલીન મુખ્યમંત્રી અને
હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલો આ ઉત્સવ આજે વટવૃક્ષ બન્યો છે, જેના કારણે આજે
બાળકો હસતાં-રમતાં અને ઉમળકાભેર શાળામાં પ્રવેશ કરી રહ્યા છે. ગુજરાત સરકારે સરકારી શાળાઓને ખાનગી
શાળાઓ સમકક્ષ અને અદ્યતન સુવિધાઓથી સંપન્ન બનાવી છે. આજે રાજ્યની સરકારી શાળાઓ આધુનિક ભવનો,
કોમ્પ્યુટર લેબ અને સ્માર્ટ ક્લાસ સહિતની શૈક્ષણિક સુવિધાઓથી સજ્જ છે. આ સાથે જ શિક્ષકો પણ પોતાના
સંતાનની જેમ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને ઉછેર માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે મહેનત કરી રહ્યા છે.”
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, “શાળા એ બાળમાનસના વિકાસનું મુખ્ય કેન્દ્ર છે, તેથી શાળામાં ૧૦૦% નામાંકન
થાય અને ત્યારબાદ બાળકો નિયમિત શાળાએ આવે તે અત્યંત જરૂરી છે. આજે શાળાઓના પ્રવેશોત્સવથી બાળકોની
સાથે વાલીઓમાં પણ ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનશ્રીના વિઝનથી દેશ અને રાજ્યની
શિક્ષણ વ્યવસ્થા મજબૂત બની છે. દીકરાઓની સાથે દીકરીઓ પણ ઉચ્ચ શિક્ષણ મેળવીને આગળ વધે અને દેશનું
ઉજ્જવળ ભવિષ્ય બને તે દિશામાં આપણે સૌએ સહિયારા પ્રયાસો કરવા પડશે.”
રાજ્ય સરકારના મોનિટરિંગ વિષે વાત કરતા તેમણે જણાવ્યું કે, ગુજરાતના દરેક બાળકનું સચોટ શૈક્ષણિક
મૂલ્યાંકન થાય તે માટે ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આધુનિક વ્યવસ્થા કાર્યરત છે. બાળકોના સર્વાંગી અને
ગુણવત્તાયુક્ત વિકાસ માટે સરકાર સતત ચિંતિત અને કાર્યશીલ છે.
આ કાર્યક્રમ અંતર્ગત શાળા પ્રવેશીત બાળકોને મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું
હતું. આ સાથે જ જ્ઞાનસાધના સ્કોલરશિપ, સી.ઈ.ટી. પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક વર્ષ
દરમિયાન વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ મેળવનાર તેજસ્વી તારલાઓનું ઈનામ અને પ્રમાણપત્ર આપી બહુમાન
કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પ્રેરણાદાયી સંદેશો પણ વાંચી સંભળાવવામાં
આવ્યો હતો. કાર્યક્રમના સમાપને ઉપસ્થિત સૌ નાગરિકો અને વિદ્યાર્થીઓએ માર્ગ સલામતીના નિયમોનું ચુસ્તપણે
પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ ગરિમામય પ્રસંગે ભાવનગર મહાનગરપાલિકાના શાસકપક્ષના નેતા શ્રી લાલભા વાળા, આરોગ્ય અને
પરિવાર કલ્યાણ વિભાગના ઉપસચિવ શ્રી હેતલકુમાર પટેલ, સ્થાનિક વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, મુખ્ય શિક્ષકો,
કેળવણીકારો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

















Recent Comments