અમરેલી

સાવરકુંડલાની કાણકિયા કોલેજમાં ‘માનસશાસ્ત્ર અને હકારાત્મક અભિગમ’ પર વિશેષ ગોષ્ઠિનું આયોજન

શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રી વી. ડી. કાણકિયા આર્ટસ એન્ડ એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા દ્વારા કોમર્સ તેમજ આર્ટસ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે ‘માનસશાસ્ત્ર અને હકારાત્મક અભિગમ’ વિષય પર એક અત્યંત પ્રેરણાદાયી અને વિચારપ્રેરક ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડો. એસ. સી. રવિયાના કુશળ માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

​આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે મૂળ સૌરાષ્ટ્રના વતની અને છેલ્લા ૩૩ વર્ષથી અમેરિકામાં સફળ સાઇકોલોજિસ્ટ તરીકે સેવા આપતા ડો. રશ્મિબા જાડેજા ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રિન્સિપાલ ડો. એસ. સી. રવિયાએ મુખ્ય વક્તાનું શાબ્દિક સ્વાગત કરી, તેમના બહોળા કાર્યક્ષેત્ર અને અનુભવથી વિદ્યાર્થીઓને પરિચિત કરાવ્યા હતા.

​ડો. રશ્મિબા જાડેજા ચૌહાણે પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થી જીવનને સ્પર્શતા અનેક મહત્વના પાસાઓ પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો. જેમાં મુખ્યત્વે પોતાના કાર્ય પ્રત્યે સંપૂર્ણ પ્રતિબદ્ધતા રાખવી અને જીવનના ઉતાર-ચઢાવનો હસતા મુખે સ્વીકાર કરવો.

​ મોબાઈલ ફોનના વધતા જતા ઉપયોગ પર યોગ્ય દેખરેખ અને નિયંત્રણ રાખવું. અભ્યાસ અને રોજિંદા જીવનમાં પ્રોપર શેડ્યુલિંગ (ટાઇમ ટેબલ)નું મહત્વ સમજાવ્યું.

​ વિદ્યાર્થીઓમાં વધતા માનસિક તણાવના કારણોની ચર્ચા કરી, તેને ઓછો કરવા માટે ‘ધ્યાન’ અને સાચી શ્વાસોશ્વાસની પદ્ધતિ દ્વારા ગુસ્સા પર નિયંત્રણ મેળવવાની રીતો દર્શાવી. જીવનમાં સેલ્ફ-કંટ્રોલ માટે ‘THINK’ ફોર્મ્યુલાની સચોટ સમજૂતી આપી.

​વક્તવ્ય બાદ પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પૂછેલા વિવિધ મુંઝવતા પ્રશ્નોના વક્તાશ્રીએ ખૂબ જ સરળ અને સંતોષકારક જવાબો આપી તેમની જિજ્ઞાસા સંતોષી હતી.

​કાર્યક્રમના અંતે કોલેજના મહિલા પ્રાધ્યાપકો વાઇસ પ્રિન્સિપાલ પ્રો. રિંકુબેન ચૌધરી, પ્રો. ડો. પુષ્પાબેન રાણીપા, પ્રો. વનિતાબેન મારૂ, પ્રો. સ્વાતિબેન ટાંક તથા પ્રો. સોનલબેન વસાણી દ્વારા મુખ્ય વક્તા ડો. રશ્મિબાને શુભેચ્છાના પ્રતીક રૂપે પુસ્તક અર્પણ કરી અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું અને આભારવિધિ આટોપાઈ હતી.

​આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંકલન અને સંચાલન અંગ્રેજી વિભાગના પ્રો. ડો. હાર્દિક ઉદેશી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના સમગ્ર સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓએ આ ગોષ્ઠિનો સકારાત્મક લાભ લીધો હતો.

Related Posts