અમરેલી જિલ્લાના લાઠી શહેર અને આસપાસના વિસ્તારમાં શનિવારે ધોધમાર વરસાદ વરસતા જનજીવન પર તેની અસર જોવા મળી હતી. સતત ભારે વરસાદને કારણે વિસ્તારની નદીઓ અને નાળાઓમાં નવા નીરની આવક થતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
લાઠી શહેરમાં ભારે વરસાદના કારણે મુખ્ય બજારો અને માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. અનેક સ્થળોએ રસ્તાઓ પર પાણીની નદીઓ વહેતી જોવા મળી હતી, જેના કારણે વાહનચાલકો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદના પાણીના જોરદાર પ્રવાહને કારણે કેટલાક વિસ્તારોમાં વાહનો ધીમી ગતિએ પસાર કરવા પડ્યા હતા.
ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, કારણ કે વરસાદથી ખરીફ પાક માટે જરૂરી ભેજ ઉપલબ્ધ થશે. બીજી તરફ, સ્થાનિક તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને અનાવશ્યક રીતે પૂરગ્રસ્ત સ્થળોએ ન જવા અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરતાં નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.


















Recent Comments