સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલ રવિવારે મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દાખવતાં સર્વત્ર જળબંબોળની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને કારણે સાવરકુંડલાની નાવલી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, તો બીજી તરફ ધારી ખોડીયાર ડેમના તમામ દરવાજા ખોલી નાખવામાં આવતાં શેત્રુંજી નદીમાં પાણી ધસમસતા વહેતા હતા. આ સાથે જ શેલ નદીમાં પણ પૂર આવતા ભુવા અને સાવર વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ ગયા હતા. વરસાદના આ કાળા કેર વચ્ચે સાવરકુંડલા તાલુકાના જુના સાવર ગામે એક હૃદયધ્રુજાવતી ઘટના સામે આવી હતી, જેમાં પૂરના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા એક ૨૧ વર્ષીય યુવાનને ભારે જહેમત બાદ સહી-સલામત બહાર કાઢવામાં આવ્યો છે.
મળતી વિગતો મુજબ, ઉના ગામનો રહેવાસી ૨૧ વર્ષીય યુવાન મન્સૂરી રિજવાનભાઈ રફીકભાઈ ઉનાથી જામનગર તરફ કાર ટોઇંગ કરીને જઈ રહ્યો હતો. આ દરમિયાન સાવરકુંડલાના જુના સાવર ગામે અચાનક પૂરના પાણી ફરી વળતાં કાર અને ક્રેન બંને પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા હતા. આ કટોકટીની પળે રિજવાનભાઈએ જીવ બચાવવા માટે કારની છત પર આશરો લીધો હતો અને મદદ માટે પોકારો પાડી રહ્યો હતો. રવિવારે રાત્રે આશરે આઠ વાગ્યે આ ઘટના ઘટી હતી અને યુવાન પાંચ કલાક સુધી મોતની સામે ઝઝૂમતો રહ્યો હતો.
વહીવટી તંત્ર અને જાંબાઝોની ટીમ મેદાને
ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર અને સ્થાનિક આગેવાનોનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જેમાં:
ધારાસભ્ય શ્રી મહેશ કસવાળા
ટી.ડી.ઓ. રફીકભાઈ જાદવ
મામલતદાર, શ્રી ખર્વેશભાઈ
ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ
જીગ્નેશભાઈ વાઘાણી, પોલીસ સ્ટાફ તેમજ જંગલ ખાતાનો (ફોરેસ્ટ) સ્ટાફ પણ બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે હાજર રહ્યો હતો.
આ મુશ્કેલ સમયમાં સાવરકુંડલાના કોંગ્રેસના નગરપાલિકા સદસ્ય નાસીરભાઈ ચૌહાણે અદભુત હિંમત દાખવી હતી. માનવતાના નાતે તેમણે ફાયર સ્ટાફનું મનોબળ વધાર્યું અને પોતે જ પહેલા પૂરમાં ઉતરી પડ્યા હતા. અંદાજે એક કિલોમીટર સુધી કેડ સમાણા પાણીના ધસમસતા પ્રવાહમાં નગરપાલિકા સદસ્ય નાસીર ચૌહાણની સાથે સાવરકુંડલા એસ.ટી. ડેપોના ડ્રાયવર સેજાદભાઈ કુરેશી અને ઇમ્તિયાઝભાઈ કુરેશી, સેવાભાવી યુવાન મોસીનભાઈ ધાનાણી તેમજ જુના સાવરના સંજયભાઈ પણ આ બચાવ કામગીરીમાં જોડાયા હતા.
આ સાથે સાવરકુંડલા ફાયર ફાઇટરની ટીમ પૂરના પાણીમાં જીવ સટોસટની બાજી લગાવવા ઉતરી પડી હતી, જેમાં અજીતભાઈ ખુમાણ, રવિભાઈ જેબલિયા અને કૌશિકભાઈ ગોર સહિતના જાંબાઝોએ દોરડાના સહારે કાર પર ફસાયેલા યુવાન સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.
અંતે રાત્રે એક વાગ્યે ભારે જહેમત બાદ યુવાન રિજવાનને પૂરમાંથી સહી-સલામત બહાર કાઢી લેવામાં આવ્યો હતો. પાંચ કલાક સુધી ચાલેલા આ મોતના તાંડવ બાદ યુવાનનો જીવ બચતાં પરિવારે અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને બચાવ કામગીરી કરનાર સમગ્ર ટીમ તથા વહીવટી તંત્રની બહાદુરીને બિરદાવી હતી.




















Recent Comments