અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારોની વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવવા સાવરકુંડલા–લીલીયા વિધાનસભા ના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી. ધારાસભ્ય એ સાવરકુંડલા તાલુકાના ભુવા, જુના સાવર, સીમરણ, ખડકાળા, બોરાળા, જીરા તેમજ લીલીયા તાલુકાના આંબા સહિતના ગામોમાં જઈ વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિ નું સ્થળ પર નિરીક્ષણ કર્યું. આ દરમિયાન તેમણે સ્થાનિક ગ્રામજનો સાથે રૂબરૂ વાતચીત કરીને તેમની મુશ્કેલીઓ, નુકસાન તથા જરૂરિયાત ની માહિતી મેળવી. આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય એ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સ્થળ પર જ ચર્ચા કરીને વરસાદ થી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી વધુ અસરકારક રીતે હાથ ધરવા, માર્ગ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા, વીજ પુરવઠો અને પીવાના પાણી સહિતની આવશ્યક સેવાઓ ઝડપથી શરૂ કરવા તેમજ અસરગ્રસ્ત પરિવારો ને તાત્કાલિક જરૂરી સહાય પહોંચાડવા માટે જરૂરી સૂચનાઓ આપી. ધારાસભ્ય એ જણાવ્યું કે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત નાગરિકોને ઝડપથી રાહત મળે તે માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે અને કોઈપણ જરૂરિયાત ઊભી થશે તો તંત્ર તાત્કાલિક પ્રતિસાદ આપશે. આ મુલાકાત દરમિયાન સરકારના અધિકારીઓ,પદાધિકારીઓ,વિસ્તારના આગેવાનો,સરપંચ સહિત હાજર રહ્યા હતા. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.
સાવરકુંડલા લીલીયા વિસ્તારના વરસાદી સંકટ વચ્ચે ગ્રાઉન્ડ પર અસરગ્રસ્તોની વેદના સંભાળતા કસવાલા



















Recent Comments