અમરેલી

સ્મૃતિઓને સંઘરી રાખો, ન જાને કબ યે સુનહરી યાદ બન જાયે!

​ચિત્ર, કચકડો ને મોબાઈલ તો                          બદલાતા રહેશે મિત્રો ,

હૃદયમાં જે સંઘરી રાખી છે, 

એ જ ખરી તસવીર છે.

​નવી ટેક્નોલોજી તો આપશે                      આભાસી ચહેરાઓ અહીં,

પણ વડીલોની સ્મૃતિ જે દિલમાં છે,                   એ જ અસલી જાગીર છે.

–“પાંધી સર”

​માનવ જીવનમાં સ્મૃતિઓ એ એક અમૂલ્ય સંજીવની સમાન છે. જેમ જેમ સમય વહી રહ્યો છે, તેમ તેમ ટેક્નોલોજીના વ્યાપની સાથે યાદોને કેદ કરવાની અને તેને સાચવવાની પદ્ધતિઓમાં આભજમીનનો તફાવત આવ્યો છે. એક જમાનો એવો હતો જ્યારે કોઈ કુશળ ચિત્રકાર દ્વારા સ્મૃતિઓના રેખાચિત્રો તૈયાર કરવામાં આવતા. જો કે, એ સમયે આ સુવિધા માત્ર માતબર અને માલદાર વ્યક્તિઓ પૂરતી જ સીમિત હતી, જ્યારે સામાન્ય જનતા આવી સ્મૃતિઓથી જોજનો દૂર રહેતી.

​કાળક્રમે સમય બદલાયો અને ફોટોગ્રાફીના યુગનો પ્રારંભ થયો. એ સમયે કુશળ ફોટોગ્રાફરનું સમાજમાં એક જાજરમાન સ્થાન હતું. કેમેરાના કચકડે મઢાતી તસવીરો અને તેની નેગેટિવ્સ અંધારિયા ખંડમાં (ડાર્ક રૂમ) આકાર લેતી, જેમાંથી બ્લેક એન્ડ વ્હાઇટ અને ત્યારબાદ કલર કોપીઓ બનતી. એ પછી વીડિયોગ્રાફીનો દૌર આવ્યો અને સ્મૃતિઓ ચલચિત્રમાં રૂપાંતરિત થઈ. આજે આ લાંબી સફર બાદ, લેટેસ્ટ ટેક્નોલોજીના પ્રતાપે દરેક વ્યક્તિના હાથમાં રહેલા નાનકડા મોબાઈલમાં ફોટો-વીડિયોની અદભુત સુવિધા ઉપલબ્ધ થઈ છે.

*​હૃદયમાં કંડારાયેલું કાલ્પનિક રૂપ એ જ ખરી તસવીર*

આ ટેક્નોલોજીના યુગ સુધી પહોંચવામાં અસંખ્ય વર્ષો વીતી ગયા. આજે પણ વડીલો યાદ કરે છે કે પરિવારમાં દાદીમાનો એકાદ ફોટો કદાચ મળી જાય, પરંતુ દાદાની એક પણ વાસ્તવિક તસવીર ઉપલબ્ધ હોતી નથી. આવા સમયે તેમની સ્મૃતિ જ સાચી તસવીર બની જાય છે. જેમ આપણે ઈશ્વરના કાલ્પનિક રૂપને વાસ્તવિક માનીને પૂજીએ છીએ, તેમ વડીલોનું એક કાલ્પનિક પણ પવિત્ર રૂપ હૃદયમાં કંડારાયેલું રહે છે.

​હાલના આધુનિક યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા ઘણું બધું અશક્ય કામ શક્ય બન્યું છે. આ અદભુત ટેક્નોલોજીની મદદથી હવે મૃત વ્યક્તિ પણ જીવંત હોવાનો ભાસ સમાજને કરાવી શકાય છે. જૂની સ્મૃતિઓ કે માત્ર કલ્પનાના આધારે પણ ચહેરાઓ પુનઃજીવિત થઈ રહ્યા છે.

​ભવિષ્યની નવી પેઢી પાસે કેવી ટેક્નોલોજી આવશે તે તો રામ જાણે, પરંતુ વર્તમાન સમયની માંગ છે કે આપણી પાસે જે કંઈ પણ સ્મૃતિઓ છે તેને સાચવી અને સંઘરી રાખવી જોઈએ, કારણ કે ક્યારે કઈ પળ સોનેરી યાદ બની જાય તે કહી શકાતું નથી. અંતે તો, હૃદયમાં સચવાયેલી સ્મૃતિઓ એ જ જીવનની ખરી તસવીર છે.

Related Posts