સાવરકુંડલાની પવિત્ર ભૂમિ પર આવેલ શ્રી કબીર ટેકરી આશ્રમ માત્ર એક ધાર્મિક સ્થાન નથી,પરંતુ સદગુરુ રામપ્રતાપ સાહેબ તથા સદગુરુ શ્રી બિહારી સાહેબની તપોભૂમિ આ બંને સાધુના તપોબળ પર જ કબીર ટેકરી આશ્રમની નીંવ મંડાયેલી છે. એટલે જ તેને સેવાનું જીવંત પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે. આ આશ્રમનો ઇતિહાસ ગૌરવવંતો રહ્યો છે અને તેની પાછળ એક અલગારી, નિઃસ્પૃહી સાધુની અનોખી અને પ્રેરણાદાયી દાસ્તાન જોડાયેલી છે. પૂજ્ય મહંતશ્રી નારાયણદાસ સાહેબના સંપૂર્ણ માર્ગદર્શન અને રાહબરી હેઠળ આ સંસ્થા આજે હજારો અશક્ત, નિરાધાર અને ગરીબ લોકો માટે આશાનું કિરણ બની છે.આ સંસ્થા દ્વારા સંચાલિત પ. પૂ. નિર્મળ સાહેબ ટિફિન સેવા દ્વારા અનેક ભૂખ્યા જનોનો જઠરાગ્ની શાંત થાય છે. આપને જણાવી દઈએ કે ટિફિન સેવાનો વિચારને સૌપ્રથમ મૂર્તિમંત કબીર ટેકરી આશ્રમ દ્વારા કરવામાં આવેલ.
કબીર ટેકરી આશ્રમ છેલ્લા ઘણા વર્ષોથી અન્નપૂર્ણાની ભૂમિકા ભજવી રહ્યો છે. આશ્રમ દ્વારા અશક્ત અને જરૂરિયાતમંદ લોકોને છેક તેમના ઘર સુધી જઈને સપ્રેમ પૌષ્ટિક ભોજન સાથેનું ટિફિન વિતરણ કરવામાં આવે છે. કોઈ વ્યક્તિ ભૂખ્યું ન સૂવે તેવા ઉમદા આશય સાથે ચાલતો આ મહાયજ્ઞ દરરોજ અનેક લોકોના જઠરાગ્નિને શાંત કરી રહ્યો છે.
જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી ફફડતું હતું અને માણસ માણસથી દૂર ભાગતો હતો, ત્યારે કબીર ટેકરી આશ્રમે પોતાની જાનના જોખમે પણ પાછીપાની કર્યા વગર અવિરત ભોજન સેવા ચાલુ રાખી હતી. એટલું જ નહીં, ‘તૌકતે’ વાવાઝોડા જેવી ભયાનક કુદરતી આફત વખતે જ્યારે આખું સાવરકુંડલા શહેર અંધકારમાં ડૂબી ગયું હતું અને લોકો પાણીના એક-એક ટીપા માટે વલખાં મારતા હતા, ત્યારે પણ પૂજ્ય નારાયણદાસ સાહેબની પ્રેરણાથી આશ્રમે અડગ રહીને લોકોને ભોજન અને જરૂરી સુવિધાઓ પૂરી પાડી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આશ્રમની સેવા માત્ર સાવરકુંડલા પૂરતી સીમિત નથી. જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમા વખતે પણ આશ્રમ દ્વારા ખાસ રાવટી (અન્નક્ષેત્ર) નાખીને લાખો ભક્તોને ભોજન-પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત દર વર્ષે શરદપૂર્ણિમાના પર્વ પર જરૂરિયાતમંદોને કપડાંનું વિતરણ તેમજ પ્રસૂતા માતાઓને પૌષ્ટિક શીરો પૂરો પાડવાની સામાજિક પ્રવૃત્તિઓ થાય છે. આ ઉપરાંત ગરીબ પરિવારોની દિકરીના લગ્ન કરાવી દેવા. દર માસે આંખના નિદાન કેમ્પ, વખતો વખત સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન, કબીર ટેકરી આશ્રમ દ્વારા નવોદિત સાહિત્ય સર્જકો અને કલાકારોને બિરદાવીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે.રાત્રિના ગમે તે સમયે કોઈ અતિથિ કે સાધુ-સંત આશ્રમના દ્વાર ખખડાવે, તેમને હંમેશાં સસ્મિત મીઠો આવકાર અને ગરમાગરમ ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવે છે.વળી ખાસ નોંધનીય બાબત એ છે કે આ સંસ્થામાં કબીર સાહેબ લિખિત બીજક ગ્રંથ પણ બીજક મંદિર ખાતે અહીં આરસની દિવાલોમાં અક્ષરશઃ લિખિત સ્વરૂપે જોવા મળે છે. જે સમગ્ર વિશ્વમાં એક અનોખી ઓળખ ધરાવે છે. આ ઉપરાંત અહી આશ્રમ ખાતે પણ નિશુલ્ક ટ્યુશન ક્લાસ તથા વિદ્યાર્થીઓ માટે વાંચનાલયની સુવિધા પણ ઉપલબ્ધ છે
પરમ પૂજ્ય નારાયણદાસ સાહેબ જેવા સંતના હૃદયની સંવેદના આ આશ્રમની દરેક પ્રવૃત્તિમાં નીતરે છે. ધાર્મિક ઉત્સવોની શાનદાર ઉજવણી સાથે સામાજિક ચેતના જગાવતું સાવરકુંડલાનું આ કેન્દ્ર ખરેખર વંદનીય છે.આમ ગણીએ તો કબીર ટેકરી આશ્રમની કણ કણ ભૂમિ પર સેવા અને સાધનાનો અજબ પ્રભાવ છે. કોઈ વખત સાવરકુંડલા આવવાનું થાય તો આ આશ્રમની એક વખત દર્શનાર્થે મુલાકાત લેવા જેવી ખરી. અમરેલીથી માત્ર તેત્રીસ કિલોમીટર દૂર આવેલ કબીર ટેકરી આશ્રમ એટલે કબીરજીના સંદેશથી અહર્નિશ ગુંજતી પૂણ્ય ભૂમિ.













Recent Comments