અમરેલીના કેરિયાનાગસ મુકામે તળાવમાં ચોમાસાના સારા વરસાદને પગલે નવા નીરની આવક થતાં સમગ્ર વિસ્તાર હરખ અને આશાથી ઝળહળી ઊઠ્યો છે. આ અવસરે ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ નવા નીરના વધામણાં કર્યા હતા. જળ એ જીવન અને સમૃદ્ધિનું પ્રતીક છે.
આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, “પાણી એ વિકાસનું પાયાનું બળ છે. તળાવો ભરાય ત્યારે માત્ર જળાશયો જ નહીં, પરંતુ ખેડૂતોની આશાઓ પણ છલકાય છે.” તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર જળસંચય, ચેકડેમ, તળાવો અને વરસાદી પાણીના સંગ્રહને પ્રોત્સાહન આપી જળસુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે.
કેરિયાનાગસ તળાવમાં પાણીની નોંધપાત્ર આવકથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે, ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશે, પશુપાલનને સહારો મળશે. આ પાણી આગામી રવિ અને ઉનાળુ પાક માટે આશીર્વાદરૂપ બનશે.
સ્થાનિક ગ્રામજનોએ નવા નીરની આવકને વધાવી પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન સૌએ જળસંચય, જળ સંરક્ષણ અને પાણીના કરકસરભર્યા ઉપયોગનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. પાણીના દરેક ટીપાનું સંરક્ષણ કરીને જ આગામી પેઢી માટે જળસુરક્ષિત ગુજરાતનું નિર્માણ શક્ય બનશે.
નવા નીરના વધામણાંની વેળાએ અમરેલી તાલુકાના સ્થાનિક હોદ્દેદારો, અગ્રણીઓ, કેરિયાનાગસ સરપંચશ્રી અને પંચાયત સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.














Recent Comments