અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે બાળ ભૂલકાઓ દ્વારા ભવ્ય ‘જગન્નાથ રથયાત્રા મહોત્સવ’ યોજાયો

શહેરમાં શિક્ષણ, સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમાન કોલેજ રોડ પર આવેલી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શૈક્ષણિક સંસ્થા ખાતે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મહોત્સવની ભવ્ય અને હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના નાનકડા બાળ ભૂલકાઓ દ્વારા ગુરુકુળ પરિસરમાં જગતના નાથ ભગવાન જગન્નાથની એક સુંદર અને નયનરમ્ય નાની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

​આ મહોત્સવનો પ્રારંભ સંસ્થાના વડા પૂજ્ય શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી સ્વામીના દિવ્ય આશીર્વાદ સાથે થયો હતો. આ પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય કોઠારી અક્ષરમુક્તદાસજી સ્વામીએ શાસ્ત્રોક્ત વિધિથી દીપ પ્રાગટ્ય અને આરતી ઉતારી ભગવાન જગન્નાથજીના રથને પ્રસ્થાન કરાવ્યું હતું. આ શોભાયાત્રામાં સંસ્થાના ડાયરેક્ટર, ગુરુકુળ શાળાના તમામ આચાર્યશ્રીઓ, શિક્ષકગણ, સહ-કર્મચારીઓ તેમજ વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ભક્તિભાવપૂર્વક જોડાયા હતા અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

​રથયાત્રા દરમિયાન ગુરુકુળના ઉત્સાહી બાળ ભૂલકાઓ દ્વારા ભગવાન જગન્નાથજીના ગુણગાન ગાતા આકર્ષક નૃત્યો અને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જે ઉપસ્થિત સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ અને પ્રભાવશાળી બનાવવા માટે શાળાના આચાર્યશ્રીઓ તેમજ શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી ઉત્કૃષ્ટ આયોજન કર્યું હતું.

Related Posts