કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરણાથી કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ, અમરેલી દ્વારા આજે સમર્થ વ્યાયામ મંદિર (અખાડા), અમરેલી ખાતે ‘વારસાની રમતો’ આનંદોત્સવ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત રમતોને જીવંત રાખવા તેમજ નવી પેઢીને તેના અમૂલ્ય વારસા સાથે જોડવાના હેતુથી યોજાયેલા આ રમતોત્સવમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાને કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું ઉદ્ઘાટન પૂર્વ ચેરમેન, માર્કેટિંગ યાર્ડ અમરેલી શ્રી પી.પી. સોજીત્રાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ કૃષિમંત્રી શ્રી બેચરભાઈ ભાદાણી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી સહિત રાજકીય, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ પ્રસંગોચિત સંબોધનમાં જણાવ્યું હતું કે પરંપરાગત રમતો આપણા સાંસ્કૃતિક વારસાનો અભિન્ન ભાગ છે. આવી રમતો બાળકો અને યુવાનોમાં શારીરિક સ્ફૂર્તિ, ટીમભાવના, નેતૃત્વ, સંકલન અને સ્વસ્થ સ્પર્ધાની ભાવના વિકસાવે છે. આધુનિક જીવનશૈલી વચ્ચે નવી પેઢીને પોતાના મૂળ સાથે જોડવા માટે આવા આયોજન અત્યંત જરૂરી છે.
આનંદોત્સવમાં ભમરડો, રસ્સાખેંચ, સંગીત ખુરશી, ત્રિપગી દોડ, કોથળા દોડ, લીંબુ-ચમચી, રસી સાઇકલિંગ, દોરડા કૂદ, નાગ ગોળ, મીની ઠેકમણી સહિત વિવિધ પરંપરાગત રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાઓમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત વિવિધ સંસ્થાઓ, મહિલા મંડળો, યુવા જૂથો, સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO) અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ માટે રમતગમતની જરૂરી સામગ્રી (સાયકલ સિવાય) આયોજકો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી તેમજ ચા, પાણી અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ટીમ તરીકે નોંધણી કરાવનાર શાળાઓ, સંસ્થાઓ, મહિલા મંડળો, જૂથો તથા એનજીઓને રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના સફળ આયોજનમાં કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો શ્રી મનીષ સિદ્ધપુરા, ડૉ. સતાણી, પ્રા. જે. એમ. તળાવિયા, શ્રીનિલેશ જોષી, શ્રીવૈભવ ભૂવા અને શ્રીભ્રમિતસિંહ ચૌહાણ સહિત ટ્રસ્ટના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.


















Recent Comments