અમરેલી

પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી. અસારીના અધ્યક્ષ સ્થાને પોલીસ પરેડ કાર્યક્રમનું સફળ રિહર્સલ યોજાયું

આગામી ૧૫મી ઓગસ્ટના રોજ અમરેલીની પવિત્ર ધરા પર આયોજિત ૮૦મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને ઐતિહાસિક ઉજવણીની તમામ તૈયારીઓ આખરી તબક્કામાં છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ રાજ્ય મહોત્સવને ક્ષતિરહિત અને ભવ્ય બનાવવા માટે સત્તાવાર તૈયારીઓનો ધમધમાટ શરૂ છે.

આજરોજ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્ર વી. અસારીના અધ્યક્ષ સ્થાને અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજ વંદન અને પોલીસ પરેડ મુખ્ય કાર્યક્રમનું બીજું રિહર્સલ આયોજનબદ્ધ રીતે યોજવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના આ મુખ્ય ઉત્સવની ગરિમા જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા લાઈન ટુ લાઈન મોનિટરિંગ કરીને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

આ દ્વિતીય સત્તાવાર રિહર્સલ કાર્યક્રમ અંતર્ગત રીયલ ટાઇમ શેડ્યુલ મુજબ ધ્વજ વંદન, પોલીસ પરેડ, ગુજરાત પોલીસ મહિલાઓની વિવિધ કૃતિઓ,  અને અન્ય સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેમાં અમરેલીની વિદ્યાસભા સ્કૂલના વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક કૃતિ, ગુજરાત પોલીસ અને જેલ પોલીસની મહિલા રાઇફલ ડ્રીલ, યોગની વિવિધ મુદ્દાઓની પ્રસ્તુતિ, ડોગ-શો, બાઈક સ્ટંટ શો, ‘માઉન્ટેડ અશ્વ-શો’ અને ‘ટેન્ટ પેગીંગ’ સહિતના કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્ર વી. અસારીએ મુખ્ય ધ્વજવંદન સ્થળ અને પોલીસ પરેડ  કાર્યક્રમ સ્થળે સુરક્ષા, બેઠક વ્યવસ્થા અને તમામ સેટઅપની આખરી તૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા પણ કરી હતી. સુચારું વ્યવસ્થા ગોઠવવા માટે સબંધિત અધિકારીશ્રીઓને સ્થળ પર જ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને દિશાનિર્દેશો આપ્યા હતા.

મુખ્ય કાર્યક્રમ પૂર્વે યોજાનારી પ્રિ-ઇવેન્ટ્સ જેવી કે, ૧૩ ઓગસ્ટના રોજ સવારે યોજાનાર ભવ્ય ‘તિરંગા યાત્રા’ અને રાત્રે યોજાનાર ‘રંગ કસુંબલ લોકડાયરા’ ની સજ્જતા માટે પણ તૈયારીઓ આખરી તબક્કામાં છે.

Related Posts