અમરેલી

ગુરુકુળ શાળા- સાવરકુંડલા માં સંસ્કૃત સપ્તાહ અને કલા મહોત્સવની ઉજવણી

સાવરકુંડલા સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સાયન્સ વિભાગ ના ધોરણ-9ના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત સપ્તાહ અને કલા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલાત્મક પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે ચિત્રકલા, રંગોળી, વકતૃત્વ, નિબંધ લેખન, ગાયન, વાદન સહિતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તમામ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દેવભાષા સંસ્કૃત ના મહત્ત્વને ઉજાગર કરવા તેમજ વિદ્યાર્થીઓમા સંસ્કૃત પ્રત્યે રસ અને અભિરુચિ વધે તે હેતુથી વિદ્યાર્થીઓ દ્વારા આશરે 300 જેટલા સંસ્કૃત શ્લોક કંઠસ્થ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના વડા શાસ્ત્રી ભગવતપ્રસાદ દાસજી સ્વામી તથા સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી એ વિદ્યાર્થીઓની આ સિદ્ધિ અને ઉત્સાહ બદલ રાજીપો વ્યક્ત કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા.સંસ્થા ના મેનેજીંગ ટ્રસ્ટી કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામી તેમજ સંસ્થાના ડાયરેક્ટર અને આચાર્યશ્રીએ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માર્ગદર્શન અને સહયોગ આપ્યો હતો. સંસ્કૃત ભાષા પ્રત્યે વિદ્યાર્થીઓમાં જાગૃતિ, ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ અને તેમની સર્જનાત્મક પ્રતિભાને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલ આ સંસ્કૃત સપ્તાહ અને કલા મહોત્સવ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી બની રહ્યો હતો. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.

Related Posts