વંડા સ્થિત શ્રી પી.પી.એસ. હાઇસ્કૂલ ખાતે તાજેતરમાં વિદ્યાર્થીઓમાં દેવભાષા સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો લગાવ વધે તેવા ઉમદા હેતુથી ‘સંસ્કૃત સપ્તાહ ની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ સપ્તાહ દરમિયાન શાળામાં વિવિધ સ્પર્ધાઓ અને જ્ઞાનવર્ધક સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓ માટે નિબંધ, ચિત્ર, વકતૃત્વ અને કંઠ પાઠ સ્પર્ધા તેમજ શ્લોક અને સ્તુતિ ગાન જેવી વિવિધ સ્પર્ધા યોજવામાં આવી હતી.
કાર્યક્રમના મુખ્ય આકર્ષણો:
ચિત્ર પ્રદર્શની: સપ્તાહના સમાપ્તિ પર્વે એક ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય વેદો, સૂક્તો અને સુંદર સુભાષિતોને લગતા ૧૫૦ થી વધુ ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, જેણે સૌના આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું. સાંસ્કૃતિક નૃત્ય: શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા શ્રીકૃષ્ણની સુંદર સ્તુતિ ‘અધરં મધુરં…’ (મધુરાષ્ટક) પર શાસ્ત્રીય ‘કથક’ શૈલીમાં અદભુત નૃત્ય રજૂ કરીને ઉપસ્થિત સૌ ને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સમગ્ર સપ્તાહ ના કાર્યક્રમોનું અત્યંત સફળ આયોજન અને વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન શાળાના શિક્ષક શ્રી નીતાબેન ભટ્ટ તેમજ શ્રી ગજેરા સાહેબ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લેનાર આશરે ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓને તેઓની પ્રતિભા બિરદાવવા માટે શાળા પરિવાર તરફથી પ્રમાણપત્ર અને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ ત્રિ-દિવસીય કાર્યક્રમ અને સંસ્કૃત સપ્તાહની ભવ્ય સફળતા બદલ શાળાના આચાર્ય શ્રી સંજયભાઈ ચૌહાણે કાર્યક્રમના આયોજકો, શિક્ષક મિત્રો અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.


















Recent Comments