વૃદ્ધાશ્રમો વડીલો માટે આશ્રયસ્થાન બની રહ્યા છે, પરંતુ વડીલોને પોતાના પરિવાર અને સંતાનથી દૂર થઈને વૃદ્ધાશ્રમમાં જીવન પસાર કરવું પડે તે બાબત ખૂબ જ કડવી વાસ્તવિકતા છે. સમાજમાં સંયુક્ત કુટુંબની ભાવના ધીમે ધીમે ઘટી રહી છે અને યુવા પેઢી નોકરી, ધંધા તથા વ્યવસાય માટે અન્ય શહેરો કે વિદેશમાં સ્થાયી થઈ રહી છે. જેના કારણે અનેક પરિવારોમાં વડીલો એકલા પડી રહ્યા છે.
‘દીકરો ન હોવાથી વૃદ્ધાશ્રમમાં આવ્યા, પરંતુ અહીં ઘર કરતાં વધુ સુખ-શાંતિ મળે છે’
અમરેલી શહેરના વૃદ્ધાશ્રમમાં રહેતા પ્રફુલભાઈ પોપટે પોતાના અનુભવ અંગે જણાવ્યું હતું કે તેઓ અગાઉ હૈદરાબાદમાં રહેતા હતા. સંતાન ન હોવાના કારણે હાલ તેઓ દંપતી તરીકે અમરેલીના વૃદ્ધાશ્રમમાં આશ્રય લઈ રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, સંયુક્ત કુટુંબની ભાવના હવે પહેલાં જેવી રહી નથી. પરિવારના અન્ય સભ્યોની પોતાની પરિસ્થિતિ હોવાથી અંતે વૃદ્ધાશ્રમમાં રહેવાનો નિર્ણય લેવો પડ્યો.
પ્રફુલભાઈ કહે છે કે વૃદ્ધાશ્રમમાં આવ્યા બાદ તેમને અહીં ખૂબ આનંદ અને શાંતિ મળે છે. અહીં રહેવા માટે તેમની પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. વૃદ્ધાશ્રમના સંચાલકો વડીલોની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. થોડા સમય પહેલાં વૃદ્ધાશ્રમમાં રહેતા એક વડીલનું નિધન થયું ત્યારે તેમના પરિવારજનોને બોલાવી તેમની પાસે રહેલી તમામ વસ્તુઓ પરિવારને પરત સોંપવામાં આવી હતી. પ્રફુલભાઈના શબ્દોમાં કહીએ તો, “વૃદ્ધાશ્રમ ન હોત તો કદાચ અમે રસ્તા પર રઝળતા હોત.”
20 વર્ષ શિક્ષિકા તરીકે નોકરી કરી, હવે વૃદ્ધાશ્રમમાં આશરો
અમરેલીના વૃદ્ધાશ્રમમાં રહેતા અનિતાબેન પોપટે જણાવ્યું હતું કે તેમણે આશરે 20 વર્ષ સુધી શિક્ષિકા તરીકે નોકરી કરી છે. સંતાન ન હોવાના કારણે આજે વૃદ્ધાવસ્થામાં વૃદ્ધાશ્રમમાં આશ્રય લેવો પડ્યો છે.
તેમણે જણાવ્યું કે આજે કેટલાક પરિવારોમાં લગ્ન બાદ દીકરો અલગ થઈ જાય છે, વિદેશમાં સ્થાયી થઈ જાય છે અથવા પતિ-પત્ની અને માતા-પિતા વચ્ચેના મતભેદને કારણે વડીલોને પરિવારથી અલગ થવું પડે છે. કેટલાક કિસ્સાઓમાં તો વડીલોને ફરવા લઈ જવાના બહાને વૃદ્ધાશ્રમમાં મૂકીને પરિવારજનો પરત જતા રહેતા હોવાના કિસ્સાઓ પણ જોવા મળ્યા છે.
અનિતાબેનના જણાવ્યા પ્રમાણે, વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોની સંખ્યા વધવી એ સમાજ માટે ચિંતાનો વિષય છે. માતા-પિતાએ જીવનભર સંતાનો માટે ત્યાગ કર્યો હોય ત્યારે વૃદ્ધાવસ્થામાં તેમને પરિવારનો સાથ મળવો જોઈએ.
‘વૃદ્ધાશ્રમ બનાવનાર સારા, પરંતુ માતા-પિતાને મૂકનારોએ વિચારવું જોઈએ’
અમરેલી જિલ્લાના મુસ્લિમ સમાજના અગ્રણી ઈરફાન કુરેશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા વધવી એ સારી બાબત નથી. વૃદ્ધાશ્રમ વડીલોની સેવા કરે છે તે ખૂબ સારું કાર્ય છે, પરંતુ વડીલોને પરિવારથી દૂર થવાની ફરજ પડે તેવી સ્થિતિ ઊભી ન થવી જોઈએ.
તેમણે જણાવ્યું કે મુસ્લિમ સમાજમાં માતા-પિતાની સેવા અને તેમની સાથે રહેવાની પરંપરાને ખૂબ મહત્વ આપવામાં આવે છે. તેમના મતે સમાજમાં એવી કુટુંબભાવના જળવાઈ રહેવી જોઈએ કે વૃદ્ધ માતા-પિતાને વૃદ્ધાશ્રમનો આશરો લેવાની જરૂર ન પડે.
ઈરફાન કુરેશીના જણાવ્યા મુજબ, વૃદ્ધાશ્રમ ચલાવનાર વ્યક્તિઓ વડીલોની સેવા કરે છે તે પ્રશંસનીય છે, પરંતુ પોતાના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવાની નોબત કેમ આવે છે તે અંગે યુવા પેઢીએ વિચારવું જરૂરી છે.
‘સંયુક્ત કુટુંબ તૂટતાં વડીલો એકલા પડી રહ્યા છે’
અમરેલી જિલ્લાના સામાજિક અગ્રણી મંગળભાઈ ખુમાણે જણાવ્યું હતું કે વૃદ્ધાશ્રમોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. તેનું એક મોટું કારણ સંયુક્ત કુટુંબ વ્યવસ્થામાં આવેલો ઘટાડો છે. અગાઉ એક જ ઘરમાં અનેક પેઢીઓ સાથે રહેતી હતી અને વડીલો પરિવારના મહત્વના સભ્ય ગણાતા હતા.
હવે નોકરી, ધંધો, વ્યવસાય અને વિદેશ જવાની વધતી તકોને કારણે યુવા પેઢી પોતાના પરિવારથી દૂર થઈ રહી છે. કેટલાક લોકો વિદેશમાં સ્થાયી થઈ જાય છે અને માતા-પિતાને સાથે લઈ જવાની પરિસ્થિતિ ન હોવાને કારણે તેઓ એકલા પડી જાય છે.
તેમણે વધુમાં જણાવ્યું કે માત્ર આર્થિક કારણો જ નહીં, પરંતુ પરિવારની અંદર લાગણીના સંબંધો નબળા પડવા, પેઢીઓ વચ્ચેનો વિચારભેદ અને સંયુક્ત પરિવારનું વિઘટન પણ આ સમસ્યાના મુખ્ય કારણોમાં સામેલ છે.
વૃદ્ધાશ્રમ સેવા છે, પરંતુ જરૂરિયાત ન બને તે સમાજની જવાબદારી
અમરેલી જિલ્લામાં 7 વર્ષમાં 5 નવા વૃદ્ધાશ્રમ બન્યા હોવાની વાત માત્ર આંકડો નથી, પરંતુ બદલાતી સામાજિક વ્યવસ્થાનું પ્રતિબિંબ છે. વૃદ્ધાશ્રમો વડીલોને ભોજન, રહેવાની વ્યવસ્થા, સારવાર અને લાગણીભર્યો સાથ આપે છે તે નિઃશંકપણે પ્રશંસનીય સેવા છે. પરંતુ દરેક વડીલને પોતાના પરિવાર સાથે રહેવાનો અધિકાર અને લાગણીસભર વાતાવરણ મળે તે વધુ મહત્વનું છે.
આજે જરૂર છે કે યુવા પેઢી પોતાના માતા-પિતાના જીવનભરના ત્યાગને સમજે. નોકરી કે વ્યવસાય માટે શહેર કે વિદેશ જવું પડે તો પણ વડીલો સાથેનો લાગણીનો સંબંધ જળવાઈ રહે તે જરૂરી છે. કારણ કે વૃદ્ધાશ્રમ વડીલો માટે આશરો બની શકે છે, પરંતુ પોતાના સંતાનોનું ઘર ક્યારેય કોઈ વૃદ્ધાશ્રમનું સ્થાન લઈ શકે નહીં.

















Recent Comments