આજે સોમવતી અમાસ અને પવિત્ર અધિકમાસની પૂર્ણાહુતિનો ત્રિવેણી સંગમ હોઈ, વહેલી સવારથી જ સાવરકુંડલા પંથકમાં ભક્તિ અને દાન-પુણ્યનો માહોલ જોવા મળ્યો હતો. શ્રદ્ધાળુઓ સવારથી સાંજ સુધી ગાયોને ઘાસચારો નીરવામાં, તેમજ સાધુ-સંતો અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન-દક્ષિણા આપવામાં લીન જોવા મળ્યા હતા. સમગ્ર વાતાવરણમાં એક તરફ ધાર્મિક શાંતિ વર્તાતી હતી, ત્યારે બીજી તરફ શહેરના એક માર્ગ પર હાઇ-વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.
બરોબર એ જ સમયે સાવરકુંડલાના હાથસણી રોડ પર આવેલા સ્મશાનની બિલકુલ સામે એક આશ્ચર્યજનક અને ભયાનક દ્રશ્ય જોવા મળ્યું હતું. જાણે બાપે માર્યા વેર હોય તેમ બે આખલાઓ સામસામે આકરા યુદ્ધે ચડ્યા હતા. બંને આખલાઓ એકબીજા પર એવા તૂટી પડ્યા હતા કે રસ્તે ચાલતા રાહદારીઓ અને વાહનચાલકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.
બંને આખલાઓ વચ્ચેનો આક્રોશ જોઈને સ્થાનિક લોકોએ અનુમાન લગાવ્યું કે ગરમીના કારણે કદાચ તેઓ ઉશ્કેરાયા છે. આથી, મામલો શાંત પાડવા માટે લોકોએ દૂરથી જ બંનેના શરીર પર પાણીનો ભારે છંટકાવ કર્યો હતો. પરંતુ, આખલાઓ જાણે એકબીજાના ખૂનના પ્યાસા બન્યા હોય તેમ, પાણીની પણ કોઈ અસર થઈ ન હતી. બંનેમાંથી એક પણ આખલો નમતું જોખવા કે પાછો હટવા તૈયાર ન હતો.
એક તરફ લોકો ગાયોને ચારો નાખી પુણ્ય કમાઈ રહ્યા હતા, ત્યારે બીજી તરફ નંદી મહારાજનું આવું રૌદ્ર સ્વરૂપ અને તે પણ સ્મશાનની બરોબર સામે, એ સ્થાનિકોમાં ભારે કૌતુક અને ચર્ચાનો વિષય બન્યું હતું. લાંબા સુધી ચાલેલા આ યુદ્ધના કારણે થોડો સમય ટ્રાફિક વ્યવસ્થામાં પણ થોડો ભય સર્જાયો.




















Recent Comments