મળે છે શબ્દના ઉત્તર
અહીં ગૂગલ ને AI માં,
પરંતુ જિંદગી જીવતાં
ફક્ત ગુરુદેવ શીખવે છે.
–“પાંધી સર”
ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ઈશ્વરથી પણ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. ગુરુ એ અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જનાર માર્ગદર્શક છે. પરંતુ ૨૧મી સદીના આ ટેકનિકલ યુગમાં શિક્ષણ અને જ્ઞાન મેળવવાની પદ્ધતિઓમાં મૂળભૂત પરિવર્તન આવ્યું છે. એક સમય હતો જ્યારે શિષ્ય ગુરુકુળમાં ગુરુના સાનિધ્યમાં રહીને વિદ્યાભ્યાસ કરતો, અને આજે સમય એવો છે કે દુનિયાભરનું જ્ઞાન માણસના આંગળીના ટેરવે ઉપલબ્ધ છે.
પ્રાચીન ગુરુકુળ વ્યવસ્થામાં કઠિન પ્રવેશ પરીક્ષાઓ હતી, પરંતુ ક્યારેય પેપર લીક થવાની ઘટનાઓ બનતી નહોતી, જેથી પરીક્ષાની સંપૂર્ણ વિશ્વસનીયતા જળવાઈ રહેતી. તે સમયે પ્રિન્ટિંગ પ્રેસ કે લેખન કળા આજના જેટલી વિકસિત ન હોવાથી ઋષિમુનિઓ બોલતા અને શિષ્યો શ્રવણ કરીને જ્ઞાન અર્જિત કરતા. વિદ્યાર્થીના રસ અને રુચિ મુજબ વિષયોની પસંદગી થતી અને મૂલ્યાંકન કેવળ મૌલિક જ્ઞાનના આધારે થતું.
આજે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ઈન્ટરનેટના આગમનથી શિક્ષણનું લોકશાહીકરણ થયું છે. દુનિયાભરના સમૃદ્ધ પુસ્તકાલયો અને દુર્લભ વ્યાખ્યાનો હવે માત્ર એક ક્લિક પર ઉપલબ્ધ છે. જોકે, અહીં એ સમજવું જરૂરી છે કે ‘માહિતી’ (Information) અને ‘જ્ઞાન’ (Knowledge) વચ્ચે બહુ મોટો તફાવત છે.
ગૂગલ કે એઆઈ માત્ર વિગતો અને માહિતીનો સંગ્રહ પૂરો પાડી શકે છે, પરંતુ તે માહિતીની સત્યતા ચકાસવી, વિચારોની તુલના કરવી અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો—એ સાચું જ્ઞાન માત્ર એક શિક્ષક જ આપી શકે છે.
જો વિદ્યાર્થીઓ માત્ર એઆઈના જવાબો પર નિર્ભર રહેશે, તો તેમની જિજ્ઞાસા અને વિશ્લેષણ કરવાની ક્ષમતા નબળી પડી શકે છે. તેથી જ આજના શિક્ષકની જવાબદારી માત્ર પાઠ્યક્રમ (Syllabus) પૂરો કરવા પૂરતી સીમિત નથી રહી, પરંતુ વિદ્યાર્થીઓમાં:
સ્વતંત્ર વિચારવાની ક્ષમતા કેળવવી.
સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ પારખવાની દ્રષ્ટિ આપવી.
મૌલિક વિચારશક્તિ અને સર્જનાત્મકતાનો વિકાસ કરવો.
ટહુકો— *એઆઈ મશીન છે, માનવતા નહીં.*
એઆઈ જટિલ પ્રશ્નોના ઉત્તર આપી શકે છે, પરંતુ તે ચરિત્ર નિર્માણ કે નૈતિક મૂલ્યોનું શિક્ષણ આપી શકતું નથી. જ્ઞાનનો ઉપયોગ સમાજ કલ્યાણ અને લોક કલ્યાણ અર્થે કેવી રીતે કરવો, તે માત્ર ચૈતન્યસભર ગુરુ જ શીખવી શકે છે.
જ્યાં સંવેદના, સૌહાર્દ અને મૌલિકતા છે, ત્યાં જ સર્જનાત્મકતા ખીલે છે. ગુરુ આપણને માત્ર ભણાવતા નથી, પરંતુ જીવન જીવવાની સાચી ચાવી આપે છે. ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે, પરંતુ ગુરુની વિવેકદ્રષ્ટિ અને માર્ગદર્શન વગરનું જ્ઞાન અધૂરું જ રહેશે.
”ગુરુ કૃપા સદા સહાયતે..”

















Recent Comments