નથી જોઈતી મારે કોઈ
પણ પરાઈ અમાનત,
ઈમાનદારી જ અમારી
અસલી સલ્તનત છે
ભલે હોય ભૂખ પણ
દિલમાં સદાય ખુમારી છે.
જિંદગી જીવવાની આ જ તો સાચી ગૌરવભરી ગાથા છે.
–“પાંધી સર”
આજના ભૌતિકવાદી યુગમાં જ્યારે માણસ પૈસા પાછળ આંધળી દોટ મૂકી રહ્યો છે, ત્યારે સાવરકુંડલાના વિંજુડા વાસમાં રહેતા અને મંડપ સર્વિસમાં મજૂરી કામ કરતા ગોરધનભાઈ પ્રેમજીભાઈ વિંજુડાએ ઈમાનદારીની એક અનોખી મિસાલ કાયમ કરી છે.
મંડપ સર્વિસના કામ દરમિયાન ગોરધનભાઈને અંદાજે રૂપિયા ૨ લાખ ૨૦ હજારની કિંમતનો એક સોનાનો ચેઇન મળ્યો હતો. સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા વ્યક્તિ માટે આ રકમ ખૂબ મોટી હોવા છતાં, ગોરધનભાઈના સંસ્કારો અને ઈમાનદારી આડે લાલચ ટકી શકી નહીં. આ ચેઇન મળ્યા બાદ તેના મૂળ માલિક સુધી પહોંચાડવાની ચિંતામાં તેઓ એટલા વ્યગ્ર હતા કે તેમણે સતત બે દિવસ સુધી જમવાનું પણ છોડી દીધું હતું.
અંતે, પોતાની નૈતિકતાને વરેલા ગોરધનભાઈએ આ સોનાનો ચેઇન તેના અસલી માલિકને શોધીને સહી-સલામત પરત સોંપ્યો હતો. તેમની આ નિઃસ્વાર્થ સેવા અને ઈમાનદારી જોઈને સ્થાનિક લોકોમાં ગૌરવની લાગણી જન્મી છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે આજે પણ સમાજમાં નીતિ અને પ્રામાણિકતા જીવંત છે. ગોરધનભાઈની આ ઉમદા કામગીરીની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.










Recent Comments