દીપોત્સવના શુભ અવસરે રાજ્યના નાગરિકોને આધુનિક અને સુરક્ષિત મુસાફરીની ભેટ મળી છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર ખાતેથી ૧૦૧ નવીન એસ.ટી. બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી પ્રવિણભાઈ માળીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
આ કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રીશ્રીએ એક અત્યંત પ્રશંસનીય અને આગવો અંદાજ દાખવ્યો હતો. તેમણે સામાન્ય પ્રોટોકોલથી અલગ હટીને એસ.ટી. નિગમના કર્મચારીઓને પોતાની સાથે રાખીને તેમના જ હસ્તે લીલી ઝંડી અપાવીને નવીન ૧૦૧ બસોને જનતાની સેવામાં પ્રસ્થાન કરાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓને દિવાળીના તહેવારોની ઉજવણી માટે અડધો પગાર એડવાન્સમાં આપવાની જાહેરાત કરી હતી.
આ કાર્યક્રમ પૂર્વે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ એસ.ટી. નિગમની કરોડરજ્જુ સમાન ડ્રાઈવર, કંડક્ટર અને વર્કશોપના કારીગરો સાથે ખૂબ જ સહજ અને આત્મીય સંવાદ કર્યો હતો. તેમણે ઉપસ્થિત તમામ કર્મચારીઓને અને તેમના પરિવારજનોને દિવાળી તથા નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી રૂપસિંહ ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ સહિતના સ્થાનિક જનપ્રતિનિધિઓ, વાહનવ્યવહાર વિભાગના અગ્ર સચિવ શ્રી હારીત શુક્લ m, GSRTCના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક ડૉ. રાજેન્દર કુમાર, GSRTC ના સચિવ શ્રી રવિ નિર્મલ તેમજ એસ.ટી. નિગમના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ નવીન બસોના લોકાર્પણથી દીપોત્સવના તહેવારોમાં મુસાફરોની અવરજવર સરળ બનશે તેમજ રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારો વચ્ચેનું પરિવહન જોડાણ વધુ મજબૂત બનશે.