આદિવાસી સમાજના ગૌરવપૂર્ણ ઇતિહાસ અને રાષ્ટ્રનિર્માણમાં તેઓના અનન્ય યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે દર વર્ષે તા. ૧૫મી નવેમ્બરને સમગ્ર દેશમાં "જનજાતીય ગૌરવ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં 'વિકસિત ભારત'ના નિર્માણમાં આદિજાતિ સમુદાયને સમાન સહભાગી બનાવવાના લક્ષ્ય સાથે, ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા આગામી તા. ૧૧ થી ૧૮ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન "જનજાતીય ગૌરવ સપ્તાહ"ની ઉજવણી કરવામાં આવશે. આ સપ્તાહ અંતર્ગત તમામ આદિજાતિ વિસ્તારોમાં વિવિધ જનકલ્યાણકારી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
જનજાતીય ગૌરવ સપ્તાહની તારીખવાર કાર્યક્રમ રૂપરેખા
તા. ૧૧ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ગાંધીનગર ખાતે પ્રદેશ કક્ષાની પત્રકાર પરિષદ યોજાશે, જેમાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશ પટેલ, રાજ્ય સર્વે મંત્રી શ્રી પી.સી. બરંડા, ડો. જયરામભાઈ ગામીત, રમેશભાઈ કટારા, આદિજાતિ મોરચાના અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
તા. ૧૨ નવેમ્બરના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા દીઠ પત્રકાર પરિષદ યોજી જિલ્લા પ્રભારીઓ, સાંસદ-ધારાસભ્યો અને અગ્રણી પદાધિકારીઓ દ્વારા સ્થાનિક કક્ષાએ આયોજિત કાર્યક્રમોની વિગતો આપવામાં આવશે.
તા. ૧૩ નવેમ્બરના રોજ દરેક વિધાનસભા વિસ્તાર દીઠ 'જનજાતિ યુવા સભા'નું આયોજન કરવામાં આવશે, જેમાં આદિજાતિ સમુદાયના ૫૦૦ જેટલા યુવાનો સાથે વિવિધ મહાનુભાવો સીધો સંવાદ સાધી તેમને 'વિકસિત ભારત'ના વિઝન સાથે જોડશે.
તા. ૧૪ નવેમ્બરના રોજ સવારે ભગવાન બિરસા મુંડા અને અન્ય મહાનુભાવો તેમજ મહાનાયકોની પ્રતિમાઓની આસપાસ સ્વચ્છતા અભિયાન તથા સંત-મહંતોનું ગૃહ સન્માન કરવામાં આવશે. એ જ દિવસે સાંજે દરેક ગ્રામ પંચાયતમાં જાહેર કે ધાર્મિક સ્થળો પર મહિમા પઠન, દીપોત્સવ, આરતી અને ભજન સંધ્યાનું ભક્તિસભર આયોજન કરવામાં આવશે.
તા. ૧૫ નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે તેમની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ અંદાજે ૧૦,૦૦૦ જેટલા નાગરિકો પરંપરાગત વસ્ત્રો, વાજિંત્રો અને નૃત્યો સાથે ૧ થી ૨ કિલોમીટર લાંબી વિશાળ શોભાયાત્રામાં જોડાશે.
એ જ દિવસે છોટાઉદેપુર જિલ્લા ખાતે રાજ્યકક્ષાના "જનજાતીય ગૌરવ દિવસ”નો મુખ્ય સમારોહ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા કક્ષાના , નાયબ મુખ્યમંત્રીશ્રી સહિત મંત્રીશ્રીઓ અને પ્રદેશ અદ્યક્ષ,ગુજરાત ભાજપ શ્રી જગદીશ વિશ્વકર્મા તેમજ લોકપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાશે. આ કાર્યક્રમો દરમિયાન વન અધિકાર પત્રોનું વિતરણ, જનજાતિય વિશિષ્ટ પ્રતિભાઓનું સન્માન તેમજ લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવશે.
તા. ૧૬ નવેમ્બરના રોજ ડોક્ટર, વકીલ, શિક્ષક, પ્રિન્સિપાલ અને ઉદ્યોગસાહસિકો જેવા વિવિધ પ્રબુદ્ધ નાગરિકોની સભા યોજાશે.
તા. ૧૭ નવેમ્બરના રોજ આદિવાસી સંસ્કૃતિની ઓળખ સમી ગિલ્લી દંડા, તીરકામઠા, કોથળાદોડ, સાતોડિયું, ભમરડો, આમલીપીપળી, લંગડી અને કબડ્ડી જેવી ૧૫થી વધુ વિસરાતી જતી પરંપરાગત રમતો સાથે રમતોત્સવનું આયોજન કરાશે.
તા. ૧૮ નવેમ્બરના રોજ આદિજાતિ સમુદાયની ૨૫૦ મહિલા અગ્રણીઓ સાથે 'મહિલા સભા' યોજી આ સપ્તાહભરના મહોત્સવની ગૌરવપૂર્ણ પૂર્ણાહુતિ થશે, જે આદિવાસી સંસ્કૃતિ, કલા-કૌશલ્ય અને સ્વતંત્રતા સંગ્રામના બલિદાનોને જીવંત રાખવાનો પ્રશંસનીય પ્રયાસ સાબિત થશે.