અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ઐતિહાસિક એવા સમૂહખેતી ગામ ખાતે આજે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને અને રાજ્યના કૃષિમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં 'પ્રાકૃતિક ખેતી પરિસંવાદ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ સમૂહખેતીનો વિચાર સાકાર કરનાર સ્વ. ભગવાનબાપા અને સ્વ. ગોવિંદભાઈ સહિત ૧૬ પ્રણેતાઓને સ્મરણાંજલિ આપી હતી અને ગોવિંદભાઈના નામે નિર્માણ પામનાર સરોવરનો ઉલ્લેખ કરી ગામની એકતાની સરાહના કરી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં કૃષિમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અને રાજ્ય સરકારની કૃષિલક્ષી નીતિઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કૃષિમંત્રીશ્રીની કામગીરીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, ખેડૂતોના કલ્યાણ અને પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર માટે મંત્રીશ્રીની પ્રતિબદ્ધતા અદ્ભુત છે.
પરિસંવાદમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ રાસાયણિક ખેતીના દુષ્પરિણામ વિશે લાલબત્તી ધરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હરિયાળી ક્રાંતિ સમયે આપણી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ૨ થી ૨.૫ ટકા હતું, જે રાસાયણિક ખાતરોના આડેધડ ઉપયોગથી આજે ઘટીને ૦.૫ ટકાથી પણ નીચે પહોંચી ગયું છે. એક સમયે અઢી એકરમાં માત્ર ૧૩ કિલો યુરિયા પૂરતું હતું, જેની સામે આજે એક એકરમાં ૧૩ બોરીઓ નાખવી પડે છે. આ ઝેરી રસાયણોએ હવા, ભૂગર્ભજળ અને આપણા ખોરાકને ઝેરી બનાવી દીધા છે. કેન્સર, હાર્ટ એટેક, ડાયાબિટીસ અને નાનાં બાળકોમાં જોવા મળતી ગંભીર બીમારીઓ આ ઝેરી ખોરાકનું જ પરિણામ છે. તાજેતરના એક વૈજ્ઞાનિક અહેવાલનો હવાલો આપતા તેમણે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી કે હવે માતાના દૂધમાં પણ જંતુનાશકો અને યુરિયાના અંશો જોવા મળ્યા છે, જે માનવજાત માટે મોટો ખતરો છે.
પ્રાકૃતિક ખેતીનો વૈજ્ઞાનિક અભિગમ સરળ ભાષામાં સમજાવતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, પ્રકૃતિએ ધરતીમાતાના રૂપમાં છોડ માટે જરૂરી ફોસ્ફરસ, ઝિંક, પોટાશ જેવા તમામ પોષક તત્ત્વોનો ખજાનો આપેલો છે. અળસિયાં અને સૂક્ષ્મ જીવાણુઓ જમીનને છિદ્રાળુ બનાવે છે અને આ ખનિજોને છોડના ખોરાકમાં પરિવર્તિત કરે છે. પરંતુ રાસાયણિક ખાતરોએ ખેડૂતના આ સાચા મિત્રો (અળસિયાં)નો નાશ કર્યો છે. દેશી ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનતા 'જીવામૃત'નો ઉપયોગ કરવાથી આ સૂક્ષ્મ જીવાણુઓ પુનર્જીવિત થાય છે. જંગલનું ઉદાહરણ આપતા તેમણે સ્પષ્ટ કર્યું કે, જંગલમાં કોઈ ખાતર નાખવા જતું નથી છતાં વૃક્ષો લીલાછમ રહે છે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જળસંચય વધે છે, જમીનની ફળદ્રુપતા જળવાય છે અને ઉત્પાદનમાં જરા પણ ઘટાડો થતો નથી. તેમણે પોતાના કુરુક્ષેત્ર ગુરુકુળના ૨૦૦ એકર ફાર્મનું ઉદાહરણ આપતા કહ્યું કે, ત્યાં રસાયણ વિના પણ દર વર્ષે ઉત્પાદન વધી રહ્યું છે.
રાસાયણિક ખાતરો પાછળ અપાતી કરોડો રૂપિયાની સબસિડી અને બીમારીઓ પાછળ થતા કરોડો રૂપિયાના આર્થિક બોજનો ઉલ્લેખ કરી રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, જો ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું 'આત્મનિર્ભર ભારત' અને 'વિકસિત ભારત'નું સ્વપ્ન ઝડપથી સાકાર થશે અને પરિવારો ભયાનક બીમારીઓથી બચશે.
કાર્યક્રમના અંતમાં રાજ્યપાલશ્રીના આહ્વાનથી સમૂહ ખેતી ગામ ખાતે ઉપસ્થિત તમામ ખેડૂત ભાઈ-બહેનોએ બંને હાથ ઊંચા કરી આવનારી પેઢીને ઝેરી આહારથી બચાવવા, ધરતીમાતાની ફળદ્રુપતા જાળવવા અને આજથી જ 'પ્રાકૃતિક ખેતી' અપનાવવાનો સામૂહિક સંકલ્પ લીધો હતો.
પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે રાસાયણિક ખાતરોના અંધાધૂંધ ઉપયોગથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઘટી ગયું છે અને સમાજમાં ગંભીર બીમારીઓ વધી છે. તેના વિકલ્પે પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા સુધરે છે અને ખેડૂતોને બજારમાં શુદ્ધ ઉત્પાદનોનો દોઢથી પોણા બે ગણો વધુ ભાવ મળે છે.
રાજ્યપાલશ્રીના જનજાગૃતિ અભિયાનની પ્રશંસા કરતા મંત્રીશ્રીએ માહિતી આપી હતી કે, હાલ ગુજરાતમાં ૯ લાખ જેટલા ખેડૂતો ૮.૭૯ લાખ એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. અમરેલી જિલ્લામાં પણ ૧૭,૦૦૦ ખેડૂતોએ ૧૯,૦૦૦ એકરમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે. રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિના વ્યાપ માટે ૩ ગ્રામ પંચાયત દીઠ એક એવા ૪૮૯૦ ક્લસ્ટર બનાવ્યા છે. ૭૫૯૧ જેટલી કૃષિ સખીઓ અને CRP મારફતે અત્યાર સુધીમાં લાખો ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે. વધુમાં, હાલોલમાં દેશની પ્રથમ નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરાઈ છે અને ખેડૂતોના ઉત્પાદનોના સીધા વેચાણ માટે રાજ્યમાં ૧૪૦૦થી વધુ વેચાણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. અંતમાં, મંત્રીશ્રીએ આવનારી પેઢીને રોગમુક્ત જીવન અને શુદ્ધ જમીન આપવા માટે નાગરિકોને રસોડામાં અને ખેડૂતોને ખેતરમાં પ્રાકૃતિક ઉત્પાદનો અપનાવવાનો સામૂહિક સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો.
સમૂહ ખેતી ગામે સામૂહિક ખેતીના પ્રણેતા શ્રી ભગવાનાબાપા કસવાલાની પ્રતિમાનું મહાનુભાવોના હસ્તે અનાવરણ કરવામા આવ્યું હતું. તેમજ ગામના વિકાસમાં યોગદાન આપનારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.
સમૂહ ખેતી ગામે પધારેલા કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યપાલશ્રી સાથે સમૂહ ખેતી ગામે પ્રાથમિક શાળાના ઓરડામાં રાત્રિ રોકાણ કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, અગાઉ આ પ્રકારની તક નહોતી મળી પરંતુ પ્રથમવખત હું પણ રાજ્યપાલશ્રી સાથે આ પરંપરામાં સહભાગી થયો છું.
કાર્યક્રમના પ્રારંભે સમૂહ ખેતીના પ્રણેતા શ્રી ભગવાનબાપા કસવાલાના પૌત્ર અને સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ તેમજ રાજુલા-ખાંભા-જાફરાબાદ મતવિસ્તારના ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકીએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ કરતાં પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. રાજ્યપાલશ્રીએ કૃષિ સખી, સી.આર.પી., એફ.એમ.ટી., જી.એમ.ટી.એમ.ટી તેમજ પ્રગતિશીલ ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા સંવાદ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ઊર્જા રાજ્ય મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા પંચાયતનાં અધ્યક્ષશ્રી દક્ષાબેન, સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા, ધારાસભ્યશ્રીઓ સર્વશ્રી હીરાભાઈ સોલંકી, જનકભાઈ તળાવિયા, મહેશભાઈ કસવાલા, જે.વી. કાકડિયા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી મદીબહેન, નિયંત્રિત બજાર સંઘના પ્રમુખ શ્રી જીગ્નેશ ભાઈ પટેલ અમરેલીના કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશ કુમાર મોર્ય, પોલીસ અધિક્ષકશ્રી જયવીર ગઢવી, સુપર ન્યૂમરરી આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી હર્ષિતા ગોયલ, આત્મા પ્રોજેક્ટ અને કૃષિ વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.