સાવરકુંડલા તાલુકાના વંડા ગામે રૂ. ૧.૨૧ કરોડના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત પ્રાથમિક શાળા ભવનનું ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતિમાં શાળાના જ ભૂલકાઓના હસ્તે રીબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ નવું ભવન ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણની વધુ સારી તકો પૂરી પાડશે.
લોકાર્પણ પ્રસંગે ધારાસભ્યશ્ર મહેશભાઈ કસવાલાએ પ્રતિભાવ વ્યક્ત કરતાં જણાવવામાં આવ્યું હતું કે, લોકતંત્રની તંદુરસ્તી માટે સૌથી અગત્યનું પરિબળ ઉત્તમ કક્ષાનું અને ભારતીય સંસ્કૃતિની અસ્મિતાનું સંવર્ધન કરતું શિક્ષણ છે. તેમાં પણ પ્રાથમિક શિક્ષણ એ બાળ માનસપટના પાયાના બંધારણ સમાન ગણાય છે, જે ભાવિ નાગરિકોના ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ પ્રસંગે વધુમાં ઉમેરવામાં આવ્યું હતું કે, જો આવી સુવિધાસભર અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પીરસતી સરકારી પ્રાથમિક શાળાઓ ઉપલબ્ધ હોય, તો વાલીઓ અને વિદ્યાર્થીઓએ ખાનગી શાળા તરફ જવું ન પડે.
નવા ભવનના નિર્માણથી વંડા અને આસપાસના વિસ્તારના બાળકોને શીખવા માટે વધુ અનુકૂળ અને સુવિધાજનક વાતાવરણ મળશે, જેનાથી ગામના શૈક્ષણિક સ્તરને નવી દિશા મળશે.