સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો પૈકીના એક એવા જેસર રોડની અત્યંત બિસ્માર અને ધૂળિયા હાલતને કારણે સ્થાનિક રહીશો, વેપારીઓ અને રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ ગંભીર પ્રશ્ને સાવરકુંડલા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્રી કનુભાઈ ડોડીયાએ નગરપાલિકાના સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી, આ માર્ગ પર તાત્કાલિક ધોરણે નિયમ મુજબ પાકો ડામર રોડ બનાવવાની માંગણી કરી છે.
મળતી વિગતો અનુસાર, જેસર રોડ પર નવી ગટર લાઈન નાખવાની કામગીરી દરમિયાન વર્ષો જૂનો મજબૂત રસ્તો તોડી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ તંત્ર દ્વારા અહીં મેટલિંગ કરીને RCC રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ હાલ આ રસ્તા પર એટલી હદે માટી અને ધૂળ જામેલી છે કે વાહન પસાર થતાં જ ધૂળની ડમરીઓ ઊડે છે.
રસ્તા પર સતત ઊડતી ધૂળને કારણે ટુ-વ્હીલર ચાલકો, રાહદારીઓ, વૃદ્ધો અને શાળાએ જતા બાળકોનું સ્વાસ્થ્ય જોખમાયું છે. લોકોમાં આંખોમાં બળતરા, ગળામાં ખરાશ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી બીમારીઓનું પ્રમાણ વધ્યું છે. આ ઉપરાંત, આસપાસના રહેણાંક મકાનો અને દુકાનોમાં ધૂળના થર જામી જતાં સ્થાનિક વેપારીઓના ધંધા-રોજગાર પર પણ માઠી અસર પડી રહી છે.
રજૂઆતમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આ જેસર રોડ આજથી આશરે ૧૫ વર્ષ પૂર્વે તત્કાલીન ધારાસભ્ય શ્રી કાળુભાઈ વિરાણીના સમયમાં બનાવવામાં આવ્યો હતો. તે રોડ એટલો મજબૂત હતો કે દોઢ દાયકા સુધી તેમાં કોઈ ખાસ સમારકામની જરૂર પડી ન હતી. પરંતુ વિકાસ કામોના નામે રસ્તો ખોદાયા બાદ હાલ પ્રજાને ધૂળ ખાવા મજબૂર થવું પડ્યું છે.
શ્રી કનુભાઈ ડોડીયાએ નગરપાલિકા તંત્રને અપીલ કરતા જણાવ્યું છે કે, નાગરિકોને સ્વચ્છ રસ્તા અને આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવું એ પાલિકાની પ્રાથમિક ફરજ છે. જેસર રોડની વર્તમાન સ્થિતિની યોગ્ય ટેકનિકલ તપાસ કરાવી, હાલના માર્ગ પર સત્વરે પાકો ડામર રોડ બનાવવામાં આવે જેથી નગરજનો અને વેપારીઓને ધૂળની આ કાયમી સમસ્યામાંથી મુક્તિ મળે.